અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તાર અને માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા આરોપીઓ ઝડપાયા છે. ત્રણ મિત્રોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આઠ ગુનાના ભેદ ઉકેલયા છે. શિવસિંગ ઉર્ફે આશુ સિકરવાર, દિલીપ ઉર્ફે ભૂરો રાજપૂત અને રાજારામ ઉર્ફે સોનુ યાદવ, આ તમામ આરોપીઓ ખાસ મિત્રો છે. આ આરોપીઓ ખાસ અમદાવાદ શહેરના નિકોલ, નરોડા, રામોલ જેવા પૂર્વ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા. આ લૂંટારુંઓ અહીં સાંજે કે રાત્રે નીકળતા અને માત્ર પુરુષોને જ ટાર્ગેટ કરતા હતા. જે પણ એકલ દોકલ પુરુષ નીકળે ત્યારે છરો બતાવી સોનાની ચેઇન લૂંટી લેતા હતા.
કેમ પુરુષોને જ ટાર્ગેટ કરતાં હતા?
આરોપીઓની માન્યતા છે કે, પુરુષો વધુ વજનવાળી ચેઇન પહેરતા હોય છે એટલે ખાસ પુરુષોને જ ટાર્ગેટ કરતા હતા. આરોપીઓ એક જ સોસાયટીમાં રહે છે. આરોપીઓ મોજશોખ અને બાઇક તથા મોબાઈલ ખરીદવા ચેઇન સ્નેચિંગના રવાડે ચઢ્યા હતા. ઉપરાંત આરોપીઓમાં શિવસિંગ ઉર્ફે આશુ અને દિલીપ ઉર્ફે ભૂરો હથિયારના ગુનામાં પકડાયો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ અનેક લોકોને લૂંટયા હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીઓએ ખાસ પૂર્વ વિસ્તારને જ ટાર્ગેટ કર્યો હતો, ત્યારે હજુ કેટલા એવા ગુના આચર્યા છે જે પોલીસ ચોપડે નોંધાયા નથી તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ તો નોંધાયેલા આઠ ગુનાનો ભેદ ઉકેલાયો છે અને હવે આરોપીઓની કબૂલાત બાદ વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શકયતા છે. મહત્વનું છે કે, અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી લૂંટ અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધી ગઈ હતી અને જેને લઇને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની તપાસ પણ કરવામાં આવી છે. તપાસમાં 8 સિવાય અન્ય ગુનાના ભેદ સામે આવી શકે તેમ છે.