અમદાવાદ: શહેરમાં વાહનચાલકોને ચેતવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઇ કારણસર મિત્રો કે અન્ય લોકોને વાહન આપવું ભારે પડી શકે છે. તમારી આ ટેવને લીધે તમે પણ પોલીસના શકંજામાં આવી શકો છો. મિત્રો કે પાડોશીઓ દ્વારા જે-તે કામ માટે વાહન માગવામાં આવે તો વાહન માલિકને શરમમાં મૂકાવવું પડતું હોય છે અને તેમને ના પાડી શકતાં નથી, પરંતુ આ કિસ્સો વાંચ્યા બાદ ના પાડવાની ટેવ પાડી લેવી ફાયદાકારક સાબિત થશે.
મિત્રનું બાઇક લઇને નીકળેલો સગીર પટકાયો
શહેરમાં મિત્રને બુલેટ બાઇક ચલાવવા આપનાર સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. આમ, જો તમે 18 વર્ષની ઓછી વયના વ્યક્તિને તમારું વાહન આપશો તો તમે જ પોલીસના સકંજામાં આવશો. સગીરને બુલેટ ચલાવવા આપનાર તેના મિત્રને ટ્રાફિક એમ ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી આરોપી બનાવ્યો છે. મિત્રએ બીજા મિત્રને બાઇક ચલાવવા માટે આપ્યું હતું. આ દરમિયાન બુલેટ લઇને નીકળેલો સગીર બાઇક લઇને સ્લિપ થતાં ઘાયલ થયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી બાઇક માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે.
યુવકે તેના 17 વર્ષીય મિત્રને બુલેટ બાઇક ચલાવવા આપ્યું હતું
વિગતવાર વાત કરીએ તો, શહેર ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે મૂળ બોટાદના અને હાલ જીવરાજપાર્ક વિસ્તારમાં દિકશાંતી ફલેટમાં રહેતાં બળવંતભાઈ મેઘાણી (ઉં,૧૮) સામે મોટર વાહન અધિનીયમની કલમ 199 (1થી 6) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ યુવકે તેના 17 વર્ષીય મિત્રને બુલેટ બાઇક ચલાવવા આપ્યું હતું. આ દરમિયાન તે બાઇક લઇને સ્લિપ થઇ જતાં અકસ્માત થયો હતો. જેમાં સગીરને ઇજા પહોંચી હતી. અકસ્માતની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, બાઇક ચલાવનાર સગીર છે અને તેની પાસે લાઇસન્સ નથી. તે મિત્રને બાઇક લઇને નીકળ્યો હતો. આવામાં પોલીસે બાઇક માલિક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.