અમદાવાદ: શહેરમાં ફરવાનું વધુ એક સ્થળ બનવાની જાહેરાત કરી છે. રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરાં અને ક્રૂઝ લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ આગામી એપ્રિલ મહિનામાં રિવરફ્રન્ટ પર થાય તેવી શક્યતાઓ સામે આવી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, નદીમાં ચાલતી આ પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે.
જોકે, છેલ્લાં 10 વર્ષમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની જાહેરાત ચોથી વખત કરવામાં આવી છે. સૌથી પહેલાં 2012માં, એ પછી 2019માં અને 2021 અને 2022માં પણ આ પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. હવે ફરીવાર આગામી એપ્રિલ મહિનામાં રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, નદીમાં કાર્યરત દેશની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે.
આધારભૂત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, એપ્રિલના પ્રથમ સપ્તાહથી રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો પ્રારંભ થઇ શકે છે. જેમાં લોકો મ્યુઝિક સહિત અનેક પ્રકારની સુવિધાઓ માણી શકશે. સુત્રોએ એવું પણ જણાવ્યું હતું કે, વલસાડના ઉમરગામથી ક્રુઝ રિવરફ્રન્ટ આવી પહોંચી છે. હાલ તમામ અલગ ભાગ એકત્ર કરી રેસ્ટોરન્ટ ક્રૂઝ તૈયાર કરવામાં આવી રહી છે. આગામી ત્રણ મહિનામાં તેને એસેમ્બલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જેમાં લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે.
આ તરતી રેસ્ટોરન્ટમાં એક સાથે 150 જેટલા લોકો એથકસાથે બેસી શકશે. મળતી માહિતી પ્રમાણે, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર અપાયો હતો. આ રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સફર કરતી વખતે સ્વાદિષ્ટ ભોજનની સાથે આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓ હશે અને લોકો માટે આરામદાયક મુસાફરી બની જશે. પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટે નું શ્રેષ્ઠ સ્થાન બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટની બંને બાજુએ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ/રિવર ક્રૂઝની જોગવાઈ, સંચાલન, જાળવણી અને વ્યવસ્થાપન માટે રિકવેસ્ટ ફોર પ્રોપોઝલ પ્રકાશિત કર્યું હતું.