Home /News /ahmedabad /અમદાવાદ: 42 વર્ષના પિતા અને 15 વર્ષનો પુત્ર બંને પરીક્ષાર્થી, સાથે આપે છે 10માં ધોરણની પરીક્ષા!

અમદાવાદ: 42 વર્ષના પિતા અને 15 વર્ષનો પુત્ર બંને પરીક્ષાર્થી, સાથે આપે છે 10માં ધોરણની પરીક્ષા!

પિતા-પુત્રની જોડી સાથે પરીક્ષા આપીને બન્યા છે સાક્ષરતા અભિયાનની મિશાલ.

અમદાવાદ: નાનપણમાં જવાબદારી સાથે કમાવાનું શીખી જતાં ભણતર છૂટી ગયું હતું, હવે પિતા-પુત્રની જોડી સાથે પરીક્ષા આપીને બન્યા છે સાક્ષરતા અભિયાનની મિશાલ.

અમદાવાદ: 10માં ધોરણની પરીક્ષા આપતાં તમામ વિદ્યાર્થીઓ હાલ સતત તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વિદ્યાર્થીઓની યાદીમાં સામેલ છે એક એવાં પિતા-પુત્રની જોડી જેઓ સાથે પરીક્ષા આપીને બન્યા છે સાક્ષરતા અભિયાનની મિશાલ. અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં આવેલી ડીપી સ્કૂલમાં પટ્ટાવાળાની ફરજ નિભાવતાં વીરભદ્રસિંહ સિસોસીદા 42 વર્ષના છે. સામાન્ય રીતે આ ઉંમરે કોઈપણ વ્યક્તિ પરિવારની ભાગદોડમાં લાગેલો રહે પરંતુ વીરભદ્રસિંહે પરિવારની ભાગદોડ સાથે પોતાના જીવનનો સૌથી અગત્યનો નિર્ણય કર્યો અને આ નિર્ણય હતો 10માં ધોરણની બાકી રહી ગયેલી પરીક્ષા આપવાનો.

પુત્રે હિંમત આપી કે, પપ્પા તમે ફરીથી પેન પકડીને લખો


વીરભદ્રસિંહનો એકનો એક યુવરાજસિંહ હાલ 10માં ધોરણની પરીક્ષા આપે છે. જેની સાથે વીરભદ્રસિંહ સહપાઠી બનીને પરીક્ષા આપી રહ્યા છે. 10માં ધોરણની પરીક્ષા માટે પિતા-પુત્ર એક સાથે ભણે છે અને એકસાથે પરીક્ષા પણ આપે છે. આ અંગે વીરભદ્રસિંહ સિસોદીયાએ ન્યૂઝ18 સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, અત્યારની પરિસ્થિતિમાં ભણવું ખૂબ જ જરુરી બની ગયું છે. આ વાત મને મોડે મોડે સમજાઈ. જ્યારે હું 10માં ધોરણની પરીક્ષા આપતો હતો ત્યારે મારી ઉંમર 15 વર્ષની હતી ત્યારે હું ફેલ થયો હતો. હાલ મને મારા દીકરાએ હિંમત આપી કે પપ્પા તમે ફરીથી પેન પકડીને લખો અને ધીમે-ધીમે મને ફરીથી પરીક્ષા આપવાની હિંમત આવી ગઈ. કહેવાય છે કે બાપ કરતાં બેટો સવાયો મારા કિસ્સામાં આવું જ બન્યું છે.

આ પણ વાંચો: પુત્રની જીદ પુરી કરવા પિતાએ બનાવડાવ્યું અનોખું બેબી બાઈક

'જાણે કે હું મારા મિત્રને ભણાવું છું'


નાનપણમાં જવાબદારી સાથે કમાવાનું શીખી ગયેલાં વીરભદ્રસિંહથી ભણતર છૂટી ગયું હતું, પરંતુ દીકરાને ભણતા જોઈને તેમને ઉત્સાહ જાગ્યો હતો. એવામાં સ્કૂલના શિક્ષકોનો સાથ મળતાં તેમણે કમાવાની સાથે સ્કૂલમાં જ ભણવાનું શરુ કર્યું. દીકરાને પિતાની ધગશ જોઈને પિતાને પણ અભ્યાસમાં મદદ કરવાનું વિચાર્યું અને બસ આમ એક્સ સ્ટૂડન્ટ તરીકે ફોર્મ ભરતાં બંને પિતા-પુત્રએ પરીક્ષા આપવાનું શરુ કર્યુ. આ અંગે વીરભદ્રસિંહના પુત્ર યુવરાજસિંહનું કહેવું છે કે, મારા પપ્પા જ્યારે મારી બાજુમાં બેસીને ભણે ત્યારે મને મિત્ર જેવું લાગે છે. જાણે કે હું મારા મિત્રને ભણાવું છું. જેમ મિત્રને ખબર ના પડે તો આપણે સમજાવીએ એવી રીતે પપ્પા મારી વાત ધ્યાનથી સાંભળે છે. એ મને બહુ ગમે છે. મારે તો આગળ આર્મીમાં જવું છે. પપ્પા મને જવા પણ દેશે કારણ કે દેશ માટે મારે સેવા કરવી છે. 10 ધોરણની પરીક્ષા આપી રહેલાં પિતા-પુત્રએ વાત કહેવાનું ચોક્કસથી મન થાય કે પસીને કી શાહી સે જો લિખતે હૈ અપને ઈરાદો કો ઉનકે મુક્કદર કે પન્ને કભી કોરે નહીં હુઆ કરતે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Board exam, Gujarat News