અમદાવાદ: શહેરમાં રાત્રિના આઠ વાગતાની સાથે જ શહેર પોલીસ અલગ-અલગ પોઈન્ટ ઉપર ગોઠવાઈ જતી હોય છે. જે લોકો કર્ફ્યૂ (Night curfew)ના સમયમાં બિનજરૂરી બહાર નીકળે છે તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ કેટલાય એવા પોલીસ કર્મચારીઓ હોય છે કે જે કાયદેસરની કાર્યવાહી કરવાની જગ્યાએ તોડ કરતા હોય છે. આવી જ એક ઘટના રામોલ વિસ્તાર (Ramol area)માં બની હતી. જેમાં ટીઆરબી જવાને (TRB Jawan) એક શખ્સને સાથે રાખી નકલી પોલીસ (Fake police) બની એક રિક્ષા ચાલકને ઊભો રાખ્યો હતો. બાદમાં કર્ફ્યૂના સમયમાં બહાર કેમ નીકળ્યો છે, તેની કાર્યવાહી કરવાનું કહી ધમકાવી ડરાવીને પૈસાની માગણી કરી હતી. કેસ ન કરવા માટે એક હજાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે, રિક્ષા ચાલકે દિવસની કમાણીના માત્ર 580 રૂપિયા હોવાનું જણાવતા આ બંને શખ્સોએ તે પણ લૂંટી લીધા હતા. જોકે, ચાલકે કંટ્રોલરૂમમાં ફોન કરતાં જ ટીઆરબી જવાન સ્થળ પરથી જ ઝડપાઈ ગયો હતો. રામોલ પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
શહેરના રામોલ વિસ્તારમાં રહેતા ઈરફાન હુસેન સૈયદ નામનો યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રિના આઠેક વાગ્યે ઈરફાન હાથીજણ સર્કલથી રામોલ રીંગ રોડ તરફ રિક્ષા લઈને આવતો હતો ત્યારે હાથીજણ સર્કલ પાસે તેની રિક્ષાનું ટાયર ફાટી જતા સ્પેર વ્હિલ લગાવી રિક્ષા લઈને ઘરે જતો હતો. ત્યારે આગળ સર્કલ પર ચારથી પાંચ લોકો ઊભા હતા. જેઓ સુરત અને ભરૂચથી આવ્યા હતા અને એ વિસ્તારથી અજાણ હતા.
તેઓએ સિટીમાં જવાની વિનંતી કરી હતી. ઈરફાન તેઓની સાથે વાતચીત કરતો હતો તે સમયે બાઈક ઉપર બે લોકો સાદા કપડામાં આવ્યા હતા અને રિક્ષા આગળ બાઈક ઊભી રાખી દીધી હતી. જેમણે રામોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોવાનું કહીને અત્યારે લૉકડાઉનમાં કેમ રિક્ષા ચલાવે છે, તેમ કહી વાતો શરૂ કરી હતી. જેથી ઇરફાને કહ્યું હતુ કે, મેં તમને અગાઉ ક્યારેય જોયા નથી. તમારુ આઇકાર્ડ બતાવો. જેથી બાઇક ચાલકે જણાવ્યું કે, અમારે તને આઇકાર્ડ બતાવવાની જરૂર નથી, વધારે ડાહ્યો થઈશ તો તકલીફ પડશે. જેથી ઇરફાને તેઓને કહ્યું કે, "સાહેબ હું સુરતી સોસાયટીમાં જ રહું છું. રિક્ષાનું ટાયર ફાટી જવાથી મોડું થયું છે અને હવે ઘરે જઉં છું."
જે બાદમાં આ બે શખ્સોએ તારી પર કર્ફ્યૂ ભંગની 188 કરવી પડશે તેમ કહેતા ઈરફાને બંને લોકોને આજીજી કરી હતી અને ૧૮૮ દાખલ ન કરવા માટે વિનંતી કરી હતી. જેથી આ બે શખ્સોએ જેલમાં ન જવું હોય તો એક હજાર રૂપિયા આપી દે તેમ કહ્યું હતું. જોકે, ઇરફાને તેની પાસે ધંધાના 580 રૂપિયા પડ્યા છે તેમ કહેતા આ બે શખ્સોએ 580 રૂપિયા લઇ લીધા હતા અને કાલથી આઠ વાગ્યા પછી નીકળતો નહીં તેમ કહીં ત્યાં હાજર માણસોનો સામાન ચેક કરવા લાગ્યા હતા. આ પણ વાંચો: જામનગર: BAPS સ્વામિનારાયણ સંસ્થા જી.જી.હૉસ્પિટલને સપ્તાહમાં અબુધબીથી લાવીને 10 ટન ઑક્સિજન આપશે
આ દરમિયાન ઇરફાનને બંને શખ્સ નકલી પોલોસ હોવાની શંકા પડતા કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરી હતી. પોલીસ આવી પહોંચતા બંને શખ્સો ત્યાંથી ભાગવા જતાં હતા પરંતુ પોલીસે એકને પકડી લીધો હતો. ઝડપાયેલા વ્યક્તિએ પોતાનું નામ પ્રદીપ મોરે હોવાનું જણાવ્યું હતું અને પોતે પોલીસમાં નથી પરંતુ ટીઆરબીમાં આઈ ડીવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સિંગરવા ચાર રસ્તા ખાતે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ભાગી ગયેલો વ્યક્તિ ગૌતમ નામનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે. ઇરફાને પોલીસને ફરિયાદ આપતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.