અમદાવાદ: વર્ષ 2022નો અંતિમ દિવસ ગોઝારો બની ગયો છે. નવસારીમાં એકતરફ 9 લોકોના અકસ્માતમાં મોત થયા છે. ત્યાં અમદાવાદમાં હોસ્પિટલમાં દંપતીનું મોત થયું છે. ચોકીદાર અને તેની પત્ની સુઈ ગયા હતા ત્યારે આગ લાગી અને ગૂંગળાઈ જવાથી મૃત્યું થયા હતા. જોકે, હોસ્પિટલની એક ગંભીર બેદરકારી એ સામે આવી કે માત્ર રાતના સમયે આ સંચાલકો સીસીટીવી બંઘ કરી દેતા હતા. પોલીસ હવે ધારે તો કાયદાનું ભાન કરાવવા સંચાલકો સામે કાર્યવાહી કરી શકે છે. ત્યારે રાતની બનેલી ઘટનામાં સવારે 9 વાગ્યા બાદ જાણ કેવી રીતે થઈ તે વાત પણ રહસ્ય સર્જી રહી છે.
શહેરના અમદાવાદમાં એક મોટી ઘટના બની છે. શહેરના નારણપુરામાં આવેલી મોદી આઈકેર સેન્ટર ખાતે બે લોકોના મૃત્યું નિપજ્યા છે. અહીં ગાર્ડ તરીકે કામ કરતા નરેશ પારગી અને તેમના પત્ની હંસા બહેનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના મોડી રાત્રે બની હોઈ શકે એવું ફાયર બ્રિગેડનું માનવું છે પણ 9.45 વાગ્યે જાણ કરાતા અનેક શંકાસ્પદ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા હોવાનું ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ જણાવ્યું છે.
આગની ઘટનામાં અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. જેમાં પાડોશીએ ફોન કર્યા પણ મૃતક તો ન આવ્યો તો પાડોશી કેમ ન આવ્યા. એલાર્મ વાગ્યું તો લોકો કેમ ન આવ્યા? સંચાલકોને રાત્રે સીસીટીવી બંધ કરવાની ફરજ કેમ પડી આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ સવાલો એટલે ઉપસ્થિત થઇ રહ્યા છે કેમકે અહીં એક બાદ એક નેતાઓ દોડી આવ્યા અને સીધા હોસ્પિટલના સંચાલકોને મળ્યા હતા.
સંચાલકો પણ બચાવ માટે કાકલૂદી કરી રહ્યા હતા, આ હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ગાર્ડ અને તેની પત્ની માત્ર હાજર હતા. ઠંડી હોવાના કારણે બંને ઉપર સુઈ ગયા હતા. આગ લાગતા તેઓએ દોડધામ કરી પણ ગૂંગળાઈ જવાથી સીડીમાં ફસાઈ ગયા. સ્થાનિક લોકો કહે છે કે, ગાર્ડ ને ફોન કર્યો પણ ન ઉપાડ્યો તો એલાર્મ વાગ્યું ત્યારે આસપાસના લોકો કેમ ન આવ્યા તે એક સવાલ છે. આ મામલે ખુદ ડોકટર કબૂલે છે કે, તેઓ સીસીટીવી બંધ રાખતા હતા. મને સવારે મૃતકના સબંધી અને સ્ટાફ આવ્યો એટલે ઘટનાની જાણ થઈ હોવાનું સંચાલક ડો. ધવલ મોદીએ જણાવ્યું છે.
હાલ આ મામલે રહસ્યમય સવાલોને લઈને પોલીસ તપાસ કરી રહી છે. જોકે, હાલ માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધાયો છે. બીજીતરફ લાશનું પીએમ અને એફ.એસ.એલની તપાસ શરૂ કરાઇ છે. ત્યારે સીસીટીવી બંધ હોવાથી માંડી અનેક ભૂલો પર પોલીસ તપાસ કરશે તેવો દાવો કરી રહી છે.
ત્યારે મૃતકને બોલાવવા આવેલા મૃતકના પિતા કહે છે કે, તેઓ અહીં આવ્યા ત્યારે ધુમાડો જોતા કાંચ તોડી અંદર ઘુસ્યા હતા અને બે લાશ જોઈ હતી.
આ હોસ્પિટલ માત્ર દિવસે જ કાર્યરત રહે છે. રાત્રે કોઈપણ દર્દીને દાખલ કરવામાં આવતા નથી. માત્ર સિક્યુરિટી ગાર્ડ તરીકે નરેશ ભાઈ અને તેમના પત્ની જ અહીંયા રહેતા હતા. ત્યારે પોલીસ બે મૃતકોને અને તેમના પરિવારને ન્યાય અપાવવા માટે યોગ્ય કાર્યવાહી કરે છે કે સંચાલકોને બચાવવા હવાતિયાં મારે છે તે જોવાનું રહેશે.