અમદાવાદ: સ્ટુડન્ટ વિઝા (US Student Visa), વિદેશમાં વર્ક પરિમટ કે પછી PR અપાવવાની કોઈ લાલચ આપે તો સાવધાન થઇ જજો. કારણ કે વિઝાના નામે છેતરપિંડી (Cheating)નો વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નરોડાના એન્જિનીયર (Engineer) પાસેથી મુંબઈનાં એક બંટી- બબલીએ અમેરિકાના વિઝા અપાવવાના બહાને 10 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નરોડાના લક્ષ્મી વિલા ગ્રીન્સમાં રહેતા 31 વર્ષીય નીલેશ પટેલે નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station)માં દીક્ષિત મેનત અને માનસી યશવંતરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નીલેશ હાલમાં એક ખાનગી કંપનીમાં એન્જિનીયર તરીકે ફરજ બજાવે છે.
નીલેશનો મિત્ર યશદીપ બુંદેલા નોર્થ અમેરિકા સ્ટુડન્ટ્સ વિઝા પર ગયો હતો અને નીલેશને પણ અમેરિકા જવું હતું. જેથી યશદીપના પિતા રાજેશભાઈએ મુંબઈના દીક્ષિત મેનત અને માનસી યશવંતરાવ સાથે સંપર્ક કરાવ્યો હતો. જેથી નીલેશે દીક્ષિત સાથે વાત કરી હતી. દીક્ષિતે ફોન પર નીલેશને કહ્યું કે, અમે ફોક્સ ઈન્ટરનેશલ નામથી પાસપોર્ટ, સ્ટુડન્ટ વિઝા વગેરેનું કામકાજ કરીએ છીએ. સાથે જ તેઓએ નીલેશને નોર્થ અમેરિકાની સેન્ટ ટેરેસા યુનિવર્સિટીમાં એમબીએના અભ્યાસ માટે વિઝા અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
દીક્ષિતે નીલેશને કહ્યું કે, ત્યાં અભ્યાસની ફી તથા રહેવાનો ખર્ચ 14.50 લાખ રૂપિયા થશે. નીલેશ આ ખર્ચ કરવા માટે તૈયાર હતો. જે બાદમાં નક્કી થયા મુજબ નીલેશે તેના તમામ ડોક્યુમેન્ટ તેમજ ટુકડે-ટુકડે 14.50 લાખ રૂપિયા દીક્ષિતને આપી દીધી હતા. ત્યારબાદ થોડા દિવસ પછી દીક્ષિત અને માનસી નીલેશના વોટ્સઅપમાં ખોટી રિસીપ્ટ મોકલીને ભરોસો આપતાં હતાં કે વિઝા મળી જશે.
ખૂબ લાંબો સમય થઇ ગયો હોવા છતાં નીલેશને દીક્ષિત કે માનસી વિઝાની વ્યવસ્થા કરી આપતાં ન હતાં અને ખોટાં ખોટાં વાયદા આપતા હતા. જેથી નીલેશે પૈસા પરત માગતાં બંને ગલ્લાંતલ્લાં કરતાં હતાં. નીલેશે ફરિયાદ કરવાની ધમકી આપતાં દીક્ષિતે ટુકડે-ટુકડે 4.50 લાખ રૂપિયા પરત આપ્યા હતા. જોકે, બાકી 10 લાખ રૂપિયા પરત આપ્યા ન હતા. ઓગસ્ટ-2019થી આજદિન સુધી દીક્ષિત અને માનસીએ વિઝા અપાવવાના બહાને નીલેશ પાસેથી પૈસા પડાવી લીધા હતા, પરંતુ વિઝા કે પૈસા પરત ન આપતાં તેણે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બંટી બબલીની વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર