બીજા બધા ધંધા કરતા ચા ના બિઝનેસમાં નજીવા રોકાણની જરૂર પડે
અમદાવાદમાં ચેતનભાઇ શિયાલે ડિપ્લોમાં એન્જિનિયર સુધી અભ્યાસ કર્યો છે. બાદ સફરજન-ચીકુવાળી ચા નો બિઝનેસ શરૂ કર્યો છે. પાંચ વર્ષ સુધી સંશોધન અને પ્રયોગ કરી ચા નો બિઝનેસ શરૂ કર્યો છે. 20 રૂપિયાની ચા માં સફરજન અને ચીકુનો ટેસ્ટ મળે છે.
Parth Patel, Ahmedabad : દરેકની સ્વાદની ચોઇસ અલગ હોય અને કંઇકને કંઇક નવું જમવાની અવિરત ઇચ્છાના કારણે ભોજનની થાળીમાં આપણી સમક્ષ અવનવું આવતું જ રહે છે. આ સાથે ગુજરાતની ચા માં પણ ખાસ પ્રકારની જુદી જુદી વેરાયટીઓનો સ્વાદ મળી રહ્યો છે. ત્યારે સફરજન-ચીકુવાળી ચા ની જુગલબંધી રૂપી એક વાનગીની વાત કરીએ કે જેણે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જી હા, અમે વાત કરીએ છીએ સફરજન-ચીકુવાળી ચા ની.
મીઠા સફરજન અને ગળ્યા ચીકુની ચા સાથેની જુગલબંધી
અલગ અલગ ફ્રૂટના જ્યુસનો સ્વાદ તો માણ્યો છે. પરંતુ હવેથી ફ્રૂટવાળી ચા નો સ્વાદ અમદાવાદમાં યુનિવર્સિટી રોડ પર મળી રહ્યો છે. આ ચા ની વિશેષતા એ છે કે, તેમાં મીઠા સફરજન અને ગળ્યા ચીકુ હોવા છતાં પણ મોઢું ભાગતી નથી. વળી ચા સાથેની જુગલબંધી કંઇક અલગ પ્રકારની જ ફિલીંગ આપે છે.
ડિપ્લોમાં એન્જિનિયર કરી ચાનો બિઝનેસ શરૂ કર્યો
ચેતન શિયાલે જણાવ્યું હતું કે, હું મૂળ ભાવનગરનો વતની છું. હું ડિપ્લોમા એન્જિનિયર છું. જ્યારે હું અમદાવાદ કોલેજમાં ભણતો હતો, ત્યારે મને બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો. મેં ઘણા બધા બિઝનેસ કરવાનું વિચાર્યું હતું. પરંતુ બીજા બધા ધંધામાં ઘણું રોકાણ કરવું પડે છે. જ્યારે ચા નો બિઝનેસ એક એવો બિઝનેસ છે. જેમાં નજીવા રોકાણની જરૂર પડે છે.
પાંચ વર્ષ સુધી સંશોધન અને પ્રયોગ કર્યા
ફ્રૂટવાળી ચા ના ટેસ્ટને વધુ સારો બનાવવા અને લોકપ્રિય બનવા માટે 5 વર્ષ સુધી સંશોધન અને પ્રયોગો શરૂ કર્યા. ઘણી મહેનતના આખરે ફ્રૂટવાળી ચા ના કોન્સેપ્ટ સાથે નવી સફર શરૂ કરી. અત્યારે હાલમાં અમારે ત્યાં ફ્રૂટવાળી ચા નો સ્વાદ માણવા માટે લોકો દૂર દૂરથી પરિવાર સાથે આવે છે. જ્યારે હું અમદાવાદ આવ્યો ત્યારથી મને આખા દૂધની ટેસ્ટી ચા ક્યાંય મળતી ન હતી. સાથે કંઈક નવો બિઝનેસ કરવાની આશા હતી. એટલે ચા નો બિઝનેસ શરૂ કર્યો. અત્યારે હાલમાં દરરોજ આશરે 40 લીટરથી વધુ આખા દૂધની સાથે અલગ અલગ વેરાયટીની ચા પીવા લોકો આવે છે.
સફરજન-ચીકુવાળી ચા માં ગળપણ બેલેન્સ રાખવું એજ ખાસિયત
એલાઈચી, ફુદીના, આદુ, મસાલા, રસગુલ્લા વગેરે પ્રકારની ચા માર્કેટમાં મળે જ છે. પરંતુ ફ્રૂટવાળી ચા એક નવો કોન્સેપ્ટ છે. સફરજન-ચીકુવાળી ચા માં ગળપણ બેલેન્સ રાખવું એજ ખાસિયત છે. આ ચા લોન્ચ કરવાથી લોકોને અમારી પ્રોડક્ટ તરફ આકર્ષણ વધ્યું છે. આ ફ્રૂટવાળી ચા ની સાથે એલાઈચી, ફુદીના, આદુ તથા મસાલાવાળી ચા પણ મળે છે.
ચા પિત્તળનાં વાસણમાં બનાવવામાં આવે છે
અહીં કસ્ટમરોને માટીના કુલ્લડમાં ચા આપવામાં આવે છે. તથા ચા પણ પિત્તળના વાસણમાં જ બનાવવામાં આવે છે. અહીં કોઈ પણ ચા ની કિંમત માત્ર 20 રૂપિયામાં મળે છે. અમદાવાદમાં આ ફ્રૂટવાળી ચા શરૂ કરવા પાછળનો હેતુ એ છે કે, મોટા ભાગે ગુજરાતી લોકો ચા ના ભારે શોખીન છે અને દરેક ગુજરાતીને ચા પ્રત્યેનો અલગ જ પ્રેમ હોય છે. તેથી મેં સફરજન અને ચીકુ બંનેને ચા માં ભેગું કરીને સફરજન-ચીકુવાળી ચા લોન્ચ કરી છે.
સરનામું : એન્જિનિયર ટી બાર, ગુજરાત યુનિવર્સિટી પાસે, શેઠ દામોદરદાસ સ્કૂલ ઓફ કોમર્સ સામે, અમદાવાદ.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.