અમદાવાદઃ ભારતના અનેક રાજ્યમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગુજરાત, નવી દિલ્હી સહિત ઉત્તરાખંડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.6ની તીવ્રતા નોંધાઈ છે. રાતે 10.17 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
દિલ્હી-એનસીઆરથી લખનૌ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ગુરુગ્રામ અને નોઈડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉલ્લેખનીય છે કે, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું જાણવા મળ્યું છે.
27 ફેબ્રુઆરીએ મધરાતે અમરેલી જિલ્લાના ખાંભા પંથકની ધરતી ફરી એક વાર ધૃજી ઉઠી હતી. મધ્યરાત્રે 1:42 કલાકે ભાડ, વાકીયા, જીકીયાળી, મીતીયાળા સહિતના ગામોમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવતા મીઠી ઊંઘ માણી રહેલા ગ્રામજનો ફફડી ઉઠયા હતા. મધરાતે ભૂકંપનો આંચકો આવતાં થોડીવાર માટે અફરા તફરી મચી ગઈ હતી અને તમામ લોકો પોતાના ધર બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદૂ અમરેલીથી 45 કિમી દૂર નોંધાયું હતું. છેલ્લા ઘણા દિવસથી અમરેલીમાં આંચકા આવે છે. સતત આવતા ભૂકંપના આંચકાથી રહીશોમાં દહેશતનો માહોલ છે.
છેલ્લા ઘણાં સમયથી સમગ્ર વિશ્વમાં ભૂકંપના આંચકા
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને તુર્કીમાં ભૂકંપે તબાહી મચાવી દીધી હતી. હજારો લોકોએ આ ભૂકંપમાં જીવ ગુમાવ્યો હતો. તો વળી, મોટાપાયે નુકસાન થયું હતું. અનેક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી તો ઘણાં લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ત્યારબાદ ઉત્તર ભારતના ઉત્તરાખંડ અને દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારપછી ગુજરાતના અમરેલી, રાજકોટ અને કચ્છમાં પણ અનેક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.