અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ તેનો પતિ દારૂ પીતો હોવાથી છૂટાછેડા લીધા હતા. જોકે, બાદમાં તેની જ સાથે બીજી વાર લગ્ન કર્યા હતા, પરંતુ દહેજ માટે તથા પરિણીતા ગર્ભવતી થતા તેની નણંદ અને સાસરીયાએ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા અંતે કંટાળીને પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી પરિણીતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, તેના લગ્ન ફેબ્રુઆરી 2019 માં વસ્ત્રાલમાં રહેતા યુવક સાથે થયા હતા. જોકે, તેનો પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી મતભેદ થતાં છૂટાછેડા લીધા હતા. બાદમાં ફરિયાદીએ ફરીથી આજ યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના બે ત્રણ માસ બાદ તેના સાસુ નાની-નાની વાતોમાં તેને બોલતા હતા અને કહેતા હતા કે તું ફરીથી આ ઘરમાં શું લેવા આવી? મારા દીકરાને બીજી જગ્યાએ ધામધૂમથી લગ્ન કરવાના હતા. તારા બાપે કઈ આપ્યું નથી. મારા છોકરાના બીજે લગ્ન કર્યા હોત તો ગાડુ ભરીને દહેજ આપતાં.
ફરિયાદીનો પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી તેના સાસુ ખોટી ચઢામણી કરીને ફરિયાદીની વિરુદ્ધ માં ખોટું-ખોટું ભરમાવી માર મરાવતા હતા. જોકે, ફરિયાદીને પ્રેગ્નન્સી રાખવી ન હોવા છતાં દવા કરાવીને પ્રેગ્નેન્સી રખાવી હતી. બીજી તરફ, પ્રેગનેન્સી રહેતા તેની નણંદે અપશબ્દ બોલીને શું ઉતાવળ હતી અત્યારથી બાળક લાવવાની તેમ કહ્યું હતું.
મહિલાના સાસુ અને નણંદએ રસોઈ કામ બાબતે તેની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. સાથે જ કહ્યું હતું કે, તું ઘરમાંથી નીકળી જા, તારા બાપના ઘરેથી દહેજ લઈને આવે તો આ ઘરમાં પગ મૂકજે નહીં તો છૂટાછેડા આપી દેજે. સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.