અમદાવાદ: અમદાવાદથી ધોલેરા જતાં એક્સપ્રેસ વેનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે અને હવે આ કામ પૂર્ણતાના આરે પહોંચ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ એક્સપ્રેસ વે શરૂ થતાં અમદાવાદથી ધોલેરા જવા સરદાર પટેલ રિંગ રોડથી ધોલેરા સુધી પહોંચવાનું હાલનું અંતર 100 કિમી છે અને મુસાફરીનો સમય 2 કલાક 15 મિનિટ જેટલો છે. જે એક્સપ્રેસવે તૈયાર થઇ ગયા પછી ઘટીને 83 કિમીનું અંતર થઇ જશે. સાથે જ મુસાફરીનો સમય 45 મિનિટ થઇ જશે. તેવી જ રીતે, અમદાવાદ સરદાર પટેલ રિંગ રોડથી ભાવનગર સુધી પહોંચવાનું અંતર 169 કિલોમીટરથી ઘટીને 141 કિલોમીટર થઇ જશે અને મુસાફરીનો સમય 3 કલાક 15 મિનિટથી ઘટીને 1 કલાક 45 મિનિટ થઇ જશે.
109 કિમી લાંબો એક્સપ્રેસ વે 4200 કરોડના ખર્ચે થશે તૈયાર
અમદાવાદ ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટે જીવાદોરી સમાન બની રહેવાનો છે. આ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કર્યું. 109 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે 4200 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. આ એક્સપ્રેસ-વે મુખ્યત્વે ધોલેરા ખાતે આવતા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનની જરૂરિયાતોને પૂરી કરે છે. આ પ્રોજેક્ટ અમદાવાદ જિલ્લાના વિસલપુર ગામ નજીક આવેલા સરદાર પટેલ રિંગ રોડથી શરૂ થઇને ભાવનગર જિલ્લાના અધેલાઇ ગામ નજીક આવેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન પૂરો થાય છે. 109 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ-વે દરિયાકાંઠાના ધોરીમાર્ગ સાથે સીધી કનેક્ટિવિટી વિકસાવશે. મુસાફરી દરમિયાન આરામદાયકતામાં સુધારો કરવા અને સુરક્ષિત સફર સક્ષમ કરવા માટે એક્સપ્રેસ-વે પર બંને બાજુએ લગભગ 50 કિમીના અંતરાલમાં વિશ્વ કક્ષાની બે વે-સાઇડ સુવિધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મહત્વનુ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 20 લાખ મેટ્રિક ટન કચરાની સામગ્રી અને પાવર પ્લાન્ટની 25 લાખ મેટ્રિક ટન પોન્ડ એશ (રાખ)નો ઉપયોગ જમીન-માટીના વિકલ્પ તરીકે ભરણ સામગ્રી તરીકે કરવામાં આવી રહ્યો છે, જે ગૌણ ખનિજ (માટી)ના સંરક્ષણમાં અને હાનિકારક કચરાનો નિકાલ કરવામાં મદદ કરશે અને આ પ્રકારે આવિષ્કારી ટેકનોલોજીને વેગ આપવાની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થશે.