અમદાવાદ: શહેરમાં રહેતા એક યુવકના લગ્ન બાદ તેની પત્નીએ થોડા જ સમયમાં તેની સાથે મતભેદ રહેતા બોલવાનું બંધ કરી દીધું હતું. આટલું જ નહીં, ઘરમાં એક દુખદ પ્રસંગ બનતા પતિ ત્યાં ગયો હતો, બાદમાં પત્ની પરત આવી નહોતી. એક દિવસ યુવકને જાણ થઇ કે તેની પત્ની કેટલાક લોકો સાથે ટ્રક લઇને આવી અને ઘરમાંથી રોકડા, દાગીના અને અન્ય વસ્તુઓ ગેરકાયદે પ્રવેશ કરી ચોરી કરી નીકળી ગયા હતા. આ દરમિયાન યુવકના કાકા મહિલાને જોઇ જતાં પોલીસ બોલાવી હતી. જ્યાં પોલીસે બધાના નિવેદન નોંધ્યા પણ ફરિયાદ ન લેતા યુવક કોર્ટમાં ગયો હતો. જ્યાં કોર્ટની સૂચના બાદ હવે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પતિ-પત્ની વચ્ચે ખટરાગ
શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય યુવક મેડિકલ ઇકવીપમેન્ટના માર્કેટિંગનું કામકાજ કરે છે. 2012માં તેણે એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેને એક પુત્રનો જન્મ થયો હતો. લગ્નજીવન દરમિયાન મતભેદ અને વિખવાદો થતા બંને પતિ-પત્ની સાથે રહી શકે તે માટે અલગ મકાનની જરૂર ઊભી થતા યુવકના પિતાનું મકાન હોવાથી તેઓ ત્યાં રહેવા ગયા હતા. જોકે, ત્યાં રહ્યા બાદ પણ બંને વચ્ચે ખટરાગ અને વિખવાદ થતા હતા. એકાદ વર્ષ પહેલા યુવકની પત્નીના દાદાનું અવસાન થયું હોવાથી બંને ત્યાં ગયા હતા. બાદમાં પત્નીએ પરત સાથે આવવાની ના પાડી હતી. યુવકની પત્નીએ થોડા દિવસ પછી પરત આવીશ, તેમ કહી મકાનને તાળું મારી જતી રહી હતી. બાદમાં યુવક પરત આવ્યો અને બે દિવસ દરમિયાન પત્નીને ફોન કરી સંપર્ક સાધ્યો હતો. જોકે સંપર્ક સાધી શક્યો ન હોવાથી તે નહીં આવે તેમ માની તે બીજા મકાનમાં રહેવા જતો રહ્યો હતો.
પત્ની મકાનનું તાળું તોડી ટ્રકમાં સામાન ભરી જતી રહી
અનેક મહિનાઓ સુધી યુવકની પત્નીએ તેની સાથે કોઈ સંપર્ક સાધ્યો નહોતો. થોડા મહિનાઓ પહેલા બપોરે આ યુવકની પત્ની તેના ઓળખીતા બે લોકો તથા અન્ય ત્રણ લોકો સાથે ટ્રક લઈને મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી તાળું તોડી ટ્રકમાં સામાન ભરી મકાનને તાળું મારીને જતી રહી હતી. તે સમયે યુવકના કાકા આવી જતા સામાન લઈ જવાની ના પાડતા યુવકની પત્ની સહિતના લોકોએ જબરજસ્તી કરી હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ ત્યાં આવી પહોંચતા મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તમામ લોકોના નિવેદનો લીધા હતા. યુવકની પત્નીએ પોલીસમાં ખોટી રજૂઆતો અને દલીલો કરી નિવેદન લખાવ્યું હતું. બાદમાં આ યુવકે પણ પોતાનું નિવેદન લખાવ્યુ હતું અને પોલીસની હાજરીમાં તેની પત્ની પાસેથી ચાવી લઈ મકાનમાં તપાસ કરી તો 1,13,000 રોકડ, સોનાના દાગીના તથા વાસણો તથા અન્ય ડોક્યુમેન્ટ સહિતનો સામાન ચોરી થયો હતો. જેથી કોર્ટમાં આ યુવકે રજૂઆત કરતા કોર્ટે ચાંદખેડા પોલીસને ફરિયાદ નોંધવાનો હુકમ કરતા પોલીસે યુવકની પત્ની તેની સાથેના બે શખ્સો તથા અન્ય ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.