અમદાવાદ: શહેરમાં ચોરી અને લૂંટની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. જમાલપુરમાં થયેલા ફાયરિંગ વિથ લૂંટનો આરોપી હજી પકડાયો નથી ત્યાં શહેરના વાડજ વિસ્તારમાં રૂપિયા 27 લાખના દાગીના ભરેલી બેગ લઈને ગઠીયાઓ ફરાર થઈ ગયા છે. આંગડિયા પેઢીનો કર્મચારી એક્ટિવા પર દાગીના ભરેલી બેગ મૂકીને પાન પાર્લર પર મસાલો ખાવા ગયો અને આ ગઠિયાઓએ તકનો લાભ ઉઠાવી લીધો હતો.
બેગ એકટીવા આગળના ભાગે મૂકી હતી
માણેકચોકમાં રહેતા અને છેલ્લા 12 વર્ષથી પટેલ અમૃતભાઈ કાંતિલાલ એન્ડ કુ. નામની આંગડિયા પેઢીમાં ડિલિવરી મેન તરીકે નોકરી કરતા દેવાભાઈ ઠાકોર ગઈકાલે સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ નવા વાડજ શ્રી રત્ન કોમ્પ્લેક્સમાં આવેલી તેમની ઓફિસે આવ્યા હતા અને ઓફિસમાં બેસીને પોણા વાગ્યા સુધી પાર્સલો લીધા હતા. જે પાર્સલો એક બેગમાં મૂકીને તેઓ આઠેક વાગ્યાની આસપાસ બેગ એકટીવાના આગળના ભાગે મૂકી તેમના સાથી કર્મચારી કનુભાઈ પ્રજાપતિ એક્ટીવા પર માણેકચોક જવા માટે નીકળ્યા હતા.
જોકે, ફરિયાદીને મસાલો ખાવો હોવાથી તે તેમની ઓફિસની સામેના ભાગે આવેલા સોનલ પાન પાર્લર પર એક્ટિવા ઉભુ રાખી પાન પાર્લર ઉપર મસાલો લેવા ગયા હતા. તે દરમિયાન બે અજાણ્યા બાઈક સવારો એક્ટિવાના આગળના ભાગે રાખેલી પાર્સલ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા જોકે, ફરિયાદીએ તેમનો પીછો કર્યો હતો, પરંતુ તેઓ પકડાયા ન હતા. પાર્સલ ભરેલી બેગમાં રૂપિયા 27 લાખના સોનાના દાગીના હતા. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.