અમદાવાદ: પોલીસ ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત છે, ત્યારે ચોર-લૂંટારૂઓ બેફામ બન્યા છે. પોલીસે ઠેર-ઠેર નાકાબંધી કરી દીધી છે, તેમ છતાંય ગઠીયાઓ બિન્દાસ્ત ચોરી લૂંટ કરીને ફરાર થઇ જાય છે. શહેરના મણિનગર વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરોએ ધોળા દિવસે એક ફ્લેટને ટાર્ગેટ કર્યો હતો. મણિનગર વિસ્તારમાં આવેલા તુલશી શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા 48 વર્ષીય કેયુરીબેન પટેલે મણિનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે.
ઘરનું તાળું તૂટેલું હતું, સામાન અસ્ત વ્યસ્ત હતો
કેયુરીબેન એલીસબ્રિજ વિસ્તારમાં આવેલા શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડમાં ક્રેડીટ ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. ગઇકાલે કેયુરીબેન રાબેદા મુજબ પોતાની બેંકમાં ફરજ બજાવતા હતા, ત્યારે બપોરે તેમના દિકરા યશનો ફોન આવ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, મમ્મી ઘરનું તાળું કોઇએ તોડી નાખ્યું છે અને ઘરમાં સામાન અસ્ત વ્યસ્ત પડ્યો છે. ચોરીની જાણ થતાની સાથેજ કેયુરીબેન તરત જ ઘરે પહોચી ગયા હતા. ઘરનો મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને બેડરુમના બન્ને કબાટો ખુલ્લી હાલતમાં હતા.
પડોશમાં કામ કરતી ઘરઘાટીને જણાવ્યું કે, બપોરના સમયે બે શખ્સો ઘરની પાસે ઉભા હતા. ઘરઘાટીને જોઇને બન્ને શખ્સો કેયુરીબેનના ઘરમાં ઘુસી ગયા હતા. બન્ને શખ્સોએ કેયુરીબેનના ઘરેથી લાખો રૂપિયાના દાગીના તેમજ 500 પાઉન્ડ, મોંઘીદાટ ઘડિયાળ, 1.87 લાખ રોક્ડ સહિતની ચોરી કરી હતી. કેયુરીબેને તરત જ પોલીસ કંટ્રોલરુમમાં જાણ કરી દેતા મણિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. મણિનગર પોલીસે કેયુરીબેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મણિનગર પોલીસે ચોરીની મોડસ ઓપરેન્ડીને જોતાં એફએસએલ ટીમની પણ મદદ લીધી છે. મહત્વનું છે કે, સિટીના પૂર્વ વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ પોલીસે આવી રીતે ચોરી કરતા લોકોને પકડીને તપાસ શરૂ કરી છે.