અમદાવાદઃ શહેરમાં રહેતા એક યુવકને તેની પરિચીત યુવતીએ ફોન કરીને ફ્લેટ નીચે બોલાવ્યો હતો. યુવક તો ખુશી-ખુશી આ યુવતીને મળવા પોતાનું બાઇક લઇને જઇ રહ્યો હતો. જ્યારે તે યુવતીના ફ્લેટ નીચે પહોંચ્યો ત્યારે યુવતી તો હતી પણ તેની સાથે તેનો ભાઇ પણ હતો. બાદમાં આ બંને લોકોએ યુવકને ઢોર માર માર્યો હતો. જેથી યુવકે તેની માતાને આ અંગે ફોન પર જાણ કરતા સમગ્ર બાબતને લઇને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
યુવકને સતાવી રહ્યો હતો ડર
નવા નરોડામાં રહેતી 48 વર્ષીય મહિલા તેના પુત્ર અને પતિ સાથે રહે છે. મહિલાનો પતિ આશ્રમ રોડ પર નોકરી કરે છે, જ્યારે તેમનો પુત્ર ઇલેકટ્રીકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરી ચૂક્યો છે અને હાલ તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. બે મહિના પહેલા તેમનો દીકરો તેની સાથે કોઇ કંઇ કરે છે તેવા ડરના કારણે ડરેલો રહેતો હતો. યુવક માનસિક બિમાર હોય તેવી વાતો કરતો અને રાત્રે ઉંઘતો પણ નહોતો. જેથી તેના માતા-પિતાએ તેને ડોક્ટર પાસે લઇ જઇ તેની સારવાર કરાવી હતી.
આ દરમિયાન જ શુક્રવારે અચાનક એક પરિચીત યુવતીનો આ યુવકને ફોન આવ્યો હતો. આ યુવતીએ આ યુવકને ફ્લેટ નીચે મળવા બોલાવ્યો હતો. જેથી યુવક તેનું બાઇક લઇને પોતાના ઘરેથી નીકળીને આ યુવતીના ફ્લેટ નીચે ગયો હતો. ત્યાં પહોંચતા જ તેણે જોયું તો યુવતી તો ત્યાં હાજર હતી પણ સાથે તેનો ભાઇ પણ ત્યાં હાજર હતો. જેથી હજુ યુવક કોઇ વાત કરવા જાય એ પહેલા જ આ યુવતી અને તેનો ભાઇ યુવક પર તૂટી પડ્યા હતા. યુવકે આ દરમિયાન તેની માતાને ફોન કરીને જાણ કરતા યુવકની માતાએ યુવતી અને તેના ભાઇ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.