અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના બીજા લગ્ન (second marriage) બાદ પતિ સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી (police complaint) છે. આ પતિએ અગાઉ યુવતીના નગ્ન વીડિયો (personal video) ઉતાર્યા બાદ હવે તેની સાથે બબાલ કરી કેસ પરત ખેંચવાનું કહી માર મારી હાર્પિક પીવડાવવાની કોશિશ કરી હતી. જેથી વધુ એક ફરિયાદ યુવતીએ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના નિર્ણયનગર વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતી તેની માતા તથા દીકરા સાથે રહે છે. વર્ષ 2009માં ખેરાલુ ખાતે રહેતા યુવક સાથે આ યુવતીના લગ્ન થયા હતા. જે યુવક હાલમાં યુગાન્ડા (uganda) સ્થાયી થયેલો છે. આ યુવતી પણ લગ્ન પછી આ યુવક સાથે ત્રણેક મહિના વિદેશ રહી હતી. બાદમાં પરત પોતાની માતાના ઘરે આવી ગઈ હતી અને યુવતીના દીકરાના જન્મ બાદ બે મહિના પછી આ યુવતીના પતિના પર સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ હોવાનું સામે આવતા તેની સાથે મ્યુચ્યુઅલ ડિવોર્સ લઈ લીધા હતા. જે બાદ દીકરાની કસ્ટડી યુવતી પાસે રહી હતી.
વર્ષ 2010માં યુવક સાથે ડિવોર્સ (divorce) થયા બાદ આ યુવતી તેની માતાના ઘરે જ રહેતી હતી. ત્યારબાદ વર્ષ 2021 માં મેટ્રોમોનિયલ સાઈટ ઉપર એક યુવક સાથે સંપર્ક થયો હતો. યુવતી અને આ યુવક એકબીજા સાથે વાતચીત કરતા હતા. બાદમાં વર્ષ 2021માં તે યુવક સાથે આ યુવતીએ કોર્ટ મેરેજ કર્યા હતા. અને યુવકે યુવતીની સાથે તેના દીકરાને પણ દત્તક લીધો હતો.
જે બાદ આ યુવતી યુવક સાથે રાણીપ ખાતે રહેવા આવી હતી. લગ્નના એક મહિના સુધી યુવતીને સારી રીતે રાખ્યા બાદ આ યુવકે પૈસાની માંગણી બાબતે યુવતીને માર માર્યો હતો. યુવતીને અને તેના પતિને સાસુ સસરાએ નરોડા ખાતે આવેલા મકાનમાં જવા માટે કાઢી મૂક્યા હતા. બાદમાં યુવતી તેનો દીકરો અને પતિ નરોડા ખાતે રહેતા હતા. ત્યાં તેનો પતિ તેની સાથે મારઝુડ કરતો હતો અને યુવતીના નગ્ન વીડિયો ઉતારતો હતો. તેમ જ શારીરિક ત્રાસ પણ આપતો હતો. જેથી યુવતીએ વર્ષ 2022માં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
થોડા દિવસ પહેલા યુવતીનો પતિ નિર્ણયનગર ખાતે તેની માતાના ઘરે આવ્યો હતો અને યુવતી પાસે માફી માગી મેઘાણીનગર ખાતે નોટરી પાસે સમાધાન કરાર કરાવી મેઘરજ ખાતે યુવતીને રાખી હતી. બાદમાં યુવતીને તેની માતાના ઘરે મૂકી ગયો હતો. યુવતી તેની માતાના ઘરે હતી ત્યારે તેના પતિએ ફોન કરી તેના ઘરે બોલાવી હતી અને પોતાના માતા પિતાની માફી માગી લે તેમ કહી યુવતીએ કરેલા કેસ પરત લેવા જણાવ્યું હતું. ત્યારે યુવતીએ મને સારું રાખશો તો બધા કેસ પરત લઈ લઈશ તેમ કહેતા તેનો પતિ ગુસ્સે ભરાયો હતો અને ઉશ્કેરાઈ ઝઘડો કરી ગળું પકડી માર મારવા લાગ્યો હતો.
આટલું જ નહીંં, પતિએ ઘરમાં પડેલું હાર્પિક યુવતીના મોઢામાં નાખી પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતીને જીભ ઉપર બળતરા થતાં યુવતીના સાસુ સસરા અને પતિ સહિતના લોકો ત્યાંથી ભાગી ગયા હતા. સમગ્ર બાબતે યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.