અમદાવાદઃ લગ્ન પ્રસંગોની સિઝન આવે તેમ-તેમ તસ્કરો પણ એક્ટિવ બની જતા હોય છે. ક્યારેક કોઇ પાર્ટી પ્લોટમાં ટાબરિયા ગેંગ જઇને ચોરી કરતી હોય છે તો ક્યારેક કોઇ મહેમાન બનીને ચોરી કરી ફરાર થઇ જતું હોય છે. તાજેતરમાં જ વિવેકાનંદ નગરમાં પણ લગ્ન પ્રસંગમાં લોકોની હાજરીમાં એક ટાબરિયો લાખો રૂપિયાની મતા ભરેલી બેગ લઇને ચોરી કરી ફરાર થઇ ગયો હતો. અમદાવાદમાં આવો જ એક કિસ્સો બન્યો છે. એક વાડીમાં લગ્ન પ્રસંગની વિધિ ચાલી રહી હતી ત્યારે જ કન્યા પક્ષના રૂમમાં મૂકેલા દાગીના, રોકડ ભરેલી બેગ લઇને કોઇ ફરાર થઇ ગયું હતું. જેને લઇને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે હવે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, લગ્ન પ્રસંગમાં કન્યા પક્ષ અને વર પક્ષના લોકો પાસે કિંમતી વસ્તુઓ ખાસ હોય છે. તસ્કરો પણ અલગ-અલગ સ્વાંગમાં આવી આ જ લોકોની આગળ પાછળ ફરી નજર ચૂકવી ચોરી કરી ફરાર થઇ જતા હોય છે. જેથી લોકોએ આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.
કેવી રીતે કરાઇ ચોરી?
શહેરના સોલા બ્રિજ પાસે આવેલા મલ્હાર ફ્લેટમાં રહેતા કિરણકુમાર પ્રજાપતિ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ ક્લાર્ક તરીકે નોકરી કરે છે. ગત 9 ડિસેમ્બરના રોજ તેમના મામાની દીકરીના લગ્ન એસજી હાઇવે ઉપર આવેલા એક ગાડીના શોરૂમની પાસે શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ ટ્રસ્ટ નામની વાડીમાં રાખ્યા હતા. આ વાડીના પહેલા માળે કન્યા પક્ષના રૂમમાં એક ગ્રીન કલરની પતરાની પેટી મૂકેલી હતી. તે પેટીમાં સાંજના સમયે ત્રણ લેડીઝ પર્સ મૂક્યા હતા અને બાદમાં તે પેટીને એક બાજુ લોક માર્યું હતું. પાંચેક કલાક પછી આ પેટી ખોલીને જોતા તે પેટીમાં રાખેલા ત્રણે પર્સ જણાયા નહોતા. આ ત્રણેય પર્સમાં 1.59 લાખના દાગીના અને મોબાઈલ ફોન તથા રોકડ રકમ હતી. જે તમામ વસ્તુની ચોરી થતા કિરણકુમાર પ્રજાપતિએ સોલા પોલીસને જાણ કરતા સોલા પોલીસે સમગ્ર બાબતને લઈને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, લગ્નની સિઝન દરમિયાન ટાબરિયા ગેંગ પણ સક્રિય થતી હોય છે. જે ગેંગના લોકો જાનૈયાઓ કે કન્યા પક્ષના લોકોની આસપાસ ફરી નજર ચૂકવી ચોરી કરી ફરાર થઇ જતા હોય છે. બીજી તરફ વાહનોની પણ ચોરી વધતી હોય છે. જેને લઇને અવારનવાર સોશિયલ મીડિયાથી માંડી પાર્ટી પ્લોટના માલિકો થતી પોલીસને સૂચનાઓ આપતી હોય છે. છતાંય ક્યાંક કોઇ બેદરકારીનો લાભ તસ્કરો ઉઠાવી જતા હોય છે. જેને લઇને લોકોએ પ્રસંગમાં સતર્ક રહેવું જરૂરી બન્યું છે.