અમદાવાદ: શહેરમાં વધુ એક પતિ-પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાંખ્યું છે. ખોખરા વિસ્તારમાં 25 વર્ષીય યુવકની પત્નીને રાજકોટના યુવક સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો. જોકે, આ પ્રેમસંબંધમાં પતિ કાંટાની જેમ નડતરરૂપ હોવાથી તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેથી ગઇકાલે મોડીરાત્રે તેની ઘઉંમાં મુકવાની દવા પીવડાવીને બાદમાં ગળું દબાવીને હત્યા કરી દીધી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આવી રીતે પતિને જ ઉતાર્યો મોતને ઘાટ
મૂળ દાહોદના અને ખોખરા રેલવે કોલોની ખાતે રહેતા રોહિત બાંમણીયા છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે અમદાવાદમાં રહે છે. રોહિતની પત્નીને છેલ્લા પાંચ વર્ષથી રાજકોટના ઇન્ઝમામ ખ્યાર નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતાં. જોકે, પ્રેમસંબંધના કારણે આરોપી ઇન્ઝમામ અને મૃતકની પત્નીએ રોહિતની હત્યા કરવા માટેનો પ્લાન ઘડ્યો હતો. આરોપી ઇન્ઝમામ રાજકોટ ખાતેથી ઘઉંમાં મુકવાની ઝેરી દવા (સલફાસ) લઇ આવ્યો હતો.
12મી જાન્યુઆરીએ રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ રોહિતને વિશ્વાસમાં લઇ ઘઉંમાં મુકવાની ઝેરી દવા પીવડાવી ગળું દબાવીને મોત નીપજાવ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો અને બંન્ને આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
હાલમાં પોલીસએ બંને આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ પૂછપરછ શરૂ કરી છે. તેઓ કેવી રીતે સંપર્કમાં આવ્યા તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.