Ahmedabad Crime News: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં નજીવી બાબતમાં એક યુવકને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. બુમાબુમ થતાં આસપાસના લોકો પણ ઘટનાસ્થળ પર આવી પહોચ્યા હતાં.
અમદાવાદ: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં નજીવી બાબતમાં એક યુવકને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. મૃતક અને તેનો મિત્ર પાણીપુરી ખાઇને ચાલતા ચાલતા જઇ રહ્યા હતાં તે દરમિયાન રીક્ષા ચાલકે રીક્ષા અડાડતા ફરિયાદીએ રીક્ષા જોઇને ચલાવવા માટે કહ્યું હતું. જેમાં બોલાચાલી અને ઝઘડો થતા મામલો ઉગ્ર બન્યો હતો.
રીક્ષા ચાલકે રણજીતને રીક્ષા ટકરાવી હતી
નિકોલ વિસ્તારમાં રહેતા અજય રાઠોડને ગઇકાલે સાંજના સમયે મંગલ પાંડે હોલની સામે પૂજા દાલબાટી પર ગયો હતો. જ્યાં તેને તેનો મિત્ર રણજીત પણ મળ્યો હતો. બંન્ને મિત્રો પથિક સોસાયટી પાસે આવેલ પાણીપુરીની લારી પર પાણીપુરી ખાવા માટે ગયા હતાં. પાણીપુરી ખાઇને તેઓ ઘરે ચાલતા જતાં હતાં. તે દરમિયાન બળિયાદેવના નાકે એક અજાણ્યા રીક્ષા ચાલકે રણજીતને રીક્ષા ટકરાવી હતી.
ઉલ્લેખનીય છે કે, અજયે રીક્ષા ચાલકને જોઇને રીક્ષા ચલાવ તેમ કહ્યું હતું. એટલા માં રીક્ષા ચાલક અને બીજો એક ઇસમ રીક્ષામાંથી નીચે ઉતર્યા હતાં. અને બોલાચાવી બાદ ઝઘડો કરીને ઝપાઝપી કરવા લાગ્યા હતાં. એવામાં એક ઇસમે ફરિયાદીને પકડી રાખેલ જ્યારે બીજાએ રણજીતને કમરના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જેમાં રણજીત રોડ પર પડી ગયો હતો. બુમાબુમ થતાં આસપાસના લોકો પણ ઘટનાસ્થળ પર આવી પહોચ્યા હતાં.
રીક્ષાચાલક અને તેની સાથેનો શખ્સ રીક્ષા લઇને ત્યાંથી પંચવડી તરફ ભાગી ગયા હતાં. જ્યારે ઇજાગ્રસ્ત રણજીતને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી. અને ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં હવે દિવસે દિવસે હત્યાના કેસોમાં વધારો થઈ રહ્યા છે.