Home /News /ahmedabad /અમદાવાદઃ તજાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરી યુવક ફસાયો, પ્રેમી સાથે ઓફિસે આવી કર્યું આવું
અમદાવાદઃ તજાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરી યુવક ફસાયો, પ્રેમી સાથે ઓફિસે આવી કર્યું આવું
આરોપી યુવકની પત્નીને પ્રેમ કરતો હોવાનું કહી ધમકી આપી ફરાર થઇ ગયો હતો
Ahmedabad crime: હું તારી પત્નીને પ્રેમ કરૂ છું અને તે પણ મને એટલો જ પ્રેમ કરે છે, તો તું તેને છોડી દેજે નહીં તો તારો ધંધો બંધ કરાવી દઇશ; તજાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરી યુવક ફસાયો
અમદાવાદઃ શહેરમાં રહેતા એક યુવકે તજાકિસ્તાનની યુવતી સાથે લગ્ન તો કર્યા પણ છેલ્લા એકાદ વર્ષથી મનમેળ ન રહેતા બંને અલગ રહે છે. પત્ની બાળકોનું ધ્યાન ન રાખી મોડીરાત સુધી મનફાવે તેમ ફર્યા કરતી હોવાનો આક્ષેપ પતિએ લગાવ્યો છે. આ બાબતો વચ્ચે યુવક ગઇકાલે ઓફિસમાં હતો ત્યારે તેની પત્ની તેના વિધર્મી મિત્ર સાથે ત્યાં આવી હતી. આરોપીએ યુવકની પત્નીને પ્રેમ કરતો હોવાનું કહી ડોક્યુમેન્ટ્સ માંગી ધમકીઓ આપી ફરાર થઇ ગયો હતો. જેથી યુવકે આ અંગે આરોપી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
યુવકે બીએમડબલ્યુ કાર, મોંઘો ફોન જેવી વસ્તુઓ તેની પત્નીને આપી હતી
મૂળ નવી દિલ્હીના અને હાલ સાઉથ બોપલમાં રહેતા 40 વર્ષીય યુવક બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. તેઓ એસજી હાઇવે પર આવેલા એક કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવે છે. વર્ષ 2008માં તેઓએ તજાકિસ્તાનની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા, પણ છેલ્લા એકાદ વર્ષથી બંને પતિ-પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોવાથી તેઓ અલગ રહે છે. યુવકે લગ્ન બાદ બીએમડબલ્યુ કાર, મોંઘો ફોન જેવી વસ્તુઓ તેની પત્નીને આપી હતી. છેલ્લા એકાદ વર્ષથી નાના બાળકો સાથે પત્ની રહેતી હોવા છતાંય તેઓને એકલા મૂકી તે મોડી રાત સુધી બહાર રહે છે અને પોતાની મનસુબી જીંદગી જીવતી હોવાથી યુવકને તેના સંતાનોની અવારનવાર ચિંતા થતી હતી.
'હું તારી પત્નીને પ્રેમ કરૂ છું, તું તેને છોડી દેજે'
આવામાં ગઇકાલે તેઓ તેમની ઓફિસે હાજર હતા ત્યારે યુવકની પત્ની તેના વિધર્મી મિત્ર સાથે ઓફિસે આવતા યુવકે તેમને શું કામ છે, તેવું પૂછ્યુ હતું. ત્યારે આ વિધર્મી યુવકે તને ખબર નથી હું કોણ છું, હું તારી પત્નીને પ્રેમ કરૂ છું અને તે પણ મને એટલો જ પ્રેમ કરે છે, તો તું તેને છોડી દેજે નહીં તો તારો ધંધો બંધ કરાવી દઇશ અને ચુપચાપ તેના વિઝા એક્સટેન્શનના ડોક્યુમેન્ટ્સ આપી દેજે નહીં તો જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી બંને નીકળી ગયા હતા. યુવક સાથે થયેલી આ ઘટનાથી તે ડિપ્રેશનમાં આવી જતાં તેણે પોલીસ ફરિયાદ કરવાનો વિચાર આવ્યો હતો. જેથી યુવકે આ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.