અમદાવાદ: શહેરમાં પરિણીતા પર ત્રાસનો ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. પરિણીતાને માતા-પિતા સાથે વાતચીત કરવા માટે સાસુ સસરા ફોન આપતા નહોતા. એટલું જ નહીં, તેના સાસુ તેને બીજા પુરુષ સાથે સબંધ બાંધવા બળજબરી કરતા હતા. જોકે, પતિ સાથે અમદાવાદ રહેવા આવ્યા બાદ તેના સાસુએ તેને કહ્યું હતું કે, અમારે ગાડી લેવાની છે. તારા માતા-પિતાના ઘરેથી રૂપિયા મંગાવ અને જો તું તારા માતા-પિતાના ઘરેથી રૂપિયા નહીં લઈ આવે, તો અમે જેમ કહીએ તેમ રહેવું પડશે. અમે કહીએ તેની સાથે સબંધ રાખવો પડશે અને સબંધ બાંધીને રૂપિયા બે લાખ કમાવી આપવા પડશે. જોકે, સાસરીયાના નાની-નાની બાબતોના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફ્લેટના સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે.
બીજા પુરુષ સાથે સબંધ બાંધવા બળજબરી
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં પરિણીતાએ સાતમે માળેથી કૂદીને આત્મહત્યા કરી લેતા તેના પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પરણીતાના પિતાનો આક્ષેપ છે કે, તેમની દીકરીના ઓડીશા ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે, આ યુવકને અમદાવાદમાં નોકરી હોવાથી તે અમદાવાદ રહેવા માટે આવ્યો હતો, જ્યારે તેમની દીકરી સાસુ સસરા સાથે ઓડીશા ખાતે રહેતી હતી. જોકે, જ્યારે પણ તેમની દીકરીનો ફોન આવતો ત્યારે તે કહેતી હતી કે, તેના સાસુ સસરા તેને ફોન પર વાતચીત કરવા માટે ફોન આપતા નથી. એટલું જ નહીં, તેના સાસુ તેને બીજા પુરુષ સાથે સબંધ બાંધવા બળજબરી કરે છે, તેમ પણ તે કહેતી હતી.
જોકે, કેટલાક મહિના બાદ તેના સાસુ સસરા અમદાવાદ આવી જતા પરિણીતાને પણ અમદાવાદ લઈ આવ્યા હતા. અમદાવાદ રહેવા આવ્યા બાદ તેના સાસુએ તેને કહ્યું કે, અમારે ગાડી લેવાની છે. તારા માં બાપના ઘરેથી રૂપિયા મંગાવ અને જો તું તારા માં બાપના ઘરેથી રૂપિયા નહીં લઈ આવે, તો અમે જેમ કહીએ તેમ રહેવું પડશે. અમે કહીએ તેની સાથે સંબંધ રાખવો પડશે અને સંબંધ બાંધીને રૂપિયા બે લાખ કમાવી આપવા પડશે. પરિણીતાનો આક્ષેપ હતો કે, તેના સાસુને પણ અન્ય પુરુષ સાથે આડાસંબંધ છે. એટલે ફોનમાં બીજા પુરુષ સાથે વાતચીત કરે છે અને તેને પણ આવું કરવા માટે દબાણ કરે છે. તેને ડર હતો કે આ લોકો તેને મારી નાંખશે. નાની નાની બાબતે ત્રાસ, રૂપિયા બે લાખની દહેજ પેટે માંગણી અને ખરાબ ધંધા કરીને રૂપિયા કમાવી આપવાનું કહેતા પરિણીતાએ સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.