Home /News /ahmedabad /મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ, કરોડોનું મકાન રિનોવેશનનું કહી પચાવી પાડવાનો કર્યો પ્રયાસ
મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ, કરોડોનું મકાન રિનોવેશનનું કહી પચાવી પાડવાનો કર્યો પ્રયાસ
નકલી અધિકારી બનીને ફરતો હતો કિરણ પટેલન
Kiran Patel news: કિરણ પટેલે જગદીશ ચાવડાના બંગલામાં હવન પૂજા કરાવી બહાર પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતુ. જેના આધારે ફરિયાદી વિરુદ્ધ કોર્ટમાં ખોટો દીવાની દાવો કર્યો હતો.
અમદાવાદ: હાલ આખા દેશમાં ગુજરાતનાં મહાઠગ કિરણ પટેલની ચર્ચા થઇ રહી છે. તો અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં કિરણ પટેલ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાઇ છે. જવાહર ચાવડાનાં ભાઇ જગદીશ ચાવડાએ કિરણ પટેલ અને પત્ની માલિની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, કિરણ પટેલે બંગલાના રીનોવેશન માટે 35 લાખ લઈને રિનોવેશન દરમિયાન બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. કિરણ પટેલે પોતે સરકારી અધિકારી છે તેવું પણ જણાવ્યું હતુ.
બીજાના બંગલા પર પોતાનું નામ લગાવી દીધું
કિરણ પટેલે જગદીશ ચાવડાના બંગલામાં હવન પૂજા કરાવી બહાર પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતુ. જેના આધારે ફરિયાદી વિરુદ્ધ કોર્ટમાં ખોટો દીવાની દાવો કર્યો હતો. જગદીશ ચાવડાએ આ અંગેની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાવી છે. કિરણ પટેલે સરકારી અધિકારી તરીકેની ઓળખ આપીને મોટી છેતરપીંડી કરવાનો પ્રયાસ કર્યો છે.
કિરણ પટેલ ગત વર્ષે જુલાઇ મહિનામાં ઉત્તરાખંડમાં કેદારનાથ અને ઋષિકેશમાં જઇને પીએમઓના અધિકારીના નામે કેટલાંક વેપારીઓ સાથે બેઠક પણ કરી હતી. જે બાબત સામે આવતા ઉત્તરાખંડ પોલીસની એક ટીમ શ્રીનગર પહોંચી છે અને કિરણ પટેલની પૂછપરછ કરી રહી છે. તેણે ઉત્તરાખંડમાં ઝેડ પ્લસ કે અન્ય કોઇ સુરક્ષા લીધી નહોતી. ત્યારે બીજી તરફ આજે ગુરૂવારે કિરણ પટેલની જામીન અરજી પર શ્રીનગર કોર્ટ ચુકાદો આપી શકે છે.
ગુજરાતના મહાઠગ કિરણ પટેલે પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી લેવાના મામલે હવે તપાસ તેજ બની છે. આ મામલામાં અમિત પંડયા અને જય સીતાપરાને સમન્સ મોકલીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
તેમણે સંતોષકારક જવાબ ન આપતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.