Home /News /ahmedabad /અમદાવાદઃ સોશિયલ મીડિયાથી મળેલા પ્રેમીએ ડિવોર્સી સાથે અનેક વખત બાંધ્યા શારીરિક સંબંધ
અમદાવાદઃ સોશિયલ મીડિયાથી મળેલા પ્રેમીએ ડિવોર્સી સાથે અનેક વખત બાંધ્યા શારીરિક સંબંધ
લગ્ન ન કરી બળાત્કાર ગુજારનાર આરોપી સામે મહિલાએ ફરિયાદ નોંધાવી
Ahmedabad Crime: સોશિયલ મીડિયાથી પરિચય થયા બાદ પ્રેમસંબંધ બંધાયો. મહિલાને હોટલમાં લઈ જઇ શારીરિક સંબંધ બાંધ્યા, યુવક મહિલાના ઘરે રહેવા આવ્યો તે દરમિયાન પણ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા, પછી મહિલાને જાણ થઇ કે...
અમદાવાદઃ શહેરમાં રહેતી એક મહિલાએ ડિવોર્સ લીધા બાદ તે અમદાવાદમાં રહેતી હતી. અમદાવાદમાં તેને ઘર શોધવાનું હતું તે દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો પરિચય એક યુવક સાથે થયો હતો. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ દરમિયાન આરોપીએ મહિલાને અવારનવાર લગ્નની લાલચો આપી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આરોપી પરિણીત હોવાનું સામે આવતા મહિલાએ સંબંધો તોડી નાખતા આરોપીએ મરી જવાની ધમકીઓ આપી હતી. આખરે લગ્ન ન કરી બળાત્કાર ગુજારનાર આરોપી સામે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પરિચય થયા બાદ પ્રેમસંબંધ બંધાયો પછી...
મૂળ જૂનાગઢની અને હાલ અમદાવાદમાં રહેતી 40 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2006માં જૂનાગઢ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. ત્યાર બાદ પતિ સાથે મનમેળ ન રહેતા વર્ષ 2020માં તેઓ છૂટા પડ્યા હતા અને આ મહિલાએ છૂટાછેડા લીધા હતા. બે વર્ષ પહેલાં ફેસબુક મારફતે એક યુવક સાથે તેનો પરિચય થયો હતો. મહિલાને તેની સાથે ઓળખાણ થયા બાદ બંને વાતચીત કરતા હતા, ત્યારે મહિલા એકલી રહેતી હોવાથી ભાડાના મકાન શોધવા બાબતે તેની મુલાકાત આ યુવક સાથે થઈ હતી. ત્યાર બાદ અવારનવાર મકાન ભાડે લેવા માટે તે બંને મળતા હતા. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા વધી હતી. એલિસ બ્રિજ ખાતે તેઓ એક મકાન જોવા ગયા હતા ત્યારે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારે આ યુવકે લગ્નની લાલચ આપતા મહિલાએ તેના લગ્ન અગાઉ થઈ ચૂક્યા છે અને તેને છૂટાછેડા ના થાય ત્યાં સુધી લગ્ન નહીં કરી શકે, તેમ કહી તે બાબતે વિચારવાનો સમય માંગ્યો હતો. વર્ષ 2021માં આ મહિલા અને તેનો પ્રેમી ઉદયપુર ફરવા ગયા હતા. ત્યાર બાદ આ યુવક સરદારનગર ખાતે એક મિત્રના ઘરે લઈ ગયો હતો અને ત્યાં લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઈ વાતોચીતો કરી જિંદગીભર સારી રીતે રાખીશ, તેવા વાયદા કરી લગ્ન કરવાનું આશ્વાસન આપી મંગળસૂત્ર પહેરાવી સિંદૂર પૂર્યુ હતું.
ત્યાર બાદ આ યુવકે આપણે એકલા બેસીને વાતચીત કરીએ, તેમ કહી રાણીપ ખાતે એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં મહિલાની મરજી વિરુદ્ધ તેણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. વર્ષ 2022માં લગ્ન કરીશું, તેવી વાત કરી આરોપીએ અવારનવાર તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. થોડા સમય પછી આ યુવક મહિલાના ઘરે રહેવા આવ્યો હતો. તે દરમિયાન પણ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તે દરમિયાનમાં મહિલાને જાણ થઈ કે તેના પ્રેમીના લગ્ન થઈ ગયા હતા અને તે એક દીકરીનો બાપ પણ છે. જેથી મહિલાએ તેની સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા. ત્યાર બાદ આરોપી પ્રેમીએ મહિલાને તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું મરી જઈશ અને તારા નામનો પત્ર લખીશ, તેવી ધમકી આપતો હતો. જેથી મહિલાએ પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી આપી હતી.
આરોપી અને તેની પત્નીએ આ મહિલાને માર માર્યો
થોડા દિવસ બાદ આ પ્રેમી તેના ઘરે આવ્યો હતો અને મહિલા પાસે માફી માગી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હતું. આમ અવારનવાર લગ્નની લાલચ આપી જબરજસ્તી આરોપીએ શારીરિક સંબંધો બાંધી મહિલાના ઘરે આવવાનું બંધ કરી દીધું હતું. આટલું જ નહીં, આરોપી અને તેની પત્નીએ આ મહિલાને માર મારતા તેણે સોલા પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપી હતી. આમ અવારનવાર લગ્નની લાલચ આપી લગ્ન ન કરી બળાત્કાર ગુજારનાર આરોપી પ્રેમી સામે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.