Home /News /ahmedabad /Ahmedabad Crime: પરિણીતા સાથે આડાસંબંધોમાં ખેલાયો ખૂની ખેલ, વિદ્યાર્થીનું મોત 

Ahmedabad Crime: પરિણીતા સાથે આડાસંબંધોમાં ખેલાયો ખૂની ખેલ, વિદ્યાર્થીનું મોત 

માથાભારે યુવકે એક સાથે ચાર લોકો પર છરી વડે હુમલો કર્યો

Ahmedabad Crime: આડાસંબંધોમાં પરિણીતાના સંબંધીઓ પર યુવક છરી લઇને તૂટી પડ્યો, વિદ્યાર્થીનું મોત. વિદ્યાર્થી પરિક્ષાનું બીજું પેપર આપે તે પહેલા મોતને વ્હાલો થઇ ગયો

અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં પરિણીતા સાથે આડાસંબંધ મામલે ગઇકાલે માથાભારે યુવકે એક સાથે ચાર લોકો પર છરી વડે હુમલો કરીને આંતક મચાવતા ચકચાર મચી ગઇ હતી (Ahmedabad Crime). યુવકે કરેલા હુમલામાં એક વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે. જ્યારે મહિલા સહિત ત્રણ લોકો ઘાયલ છે. પરિણીતાના સંબંધી હોટલ પાસે બેસીને વાતચીત કરતા હતા, ત્યારે યુવક છરી લઇને આવ્યો હતો અને હુમલો કરી દીધો હતો.

આડાસંબંધમાં ખેલાયો ખૂની ખેલ

ગોમતીપુર વિસ્તારમાં આવેલા પાકવાડામાં રહેતા આરીફહુસેન શેખે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ઇરફાન ઉર્ફે ગોલી ઉસ્માનખાન પઠાણ અને શાકીબ નામના માથાભારે શખ્સ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. આરીફહુસેન તેમના ફોઇના દિકરાની એન.કે.રેસ્ટોરન્ટમાં નોકરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. આરીફહુસેનના ફોઇના દિકરા રીઝવાન શેખની પત્નીના સમશેરબાગ ખાતે રહેતા ઇરફાન ઉર્ફે ગોલીના આડાસંબંધ હતા. આડા સંબંધ મામલે થોડાક સમય પહેલા આરીફહુસેનના પરિવારજનોની ઇરફાન ઉર્ફે ગોલી સાથે બબાલ થઇ હતી. ઇરફાન ઉર્ફે ગોલી માથાભારે હોવાના કારણે અનેક વખત રીઝવાન શેખ તેમજ આરીફહુસેનના પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો.

આ પણ વાંચો: એક મસાલો 27 લાખ રૂપિયામાં પડ્યો, અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો

સ્થાનિકો દોડી આવતા ઇરફાન તેમજ શાકીબ નાસી ગયા

ગઇકાલે આરીફહુસેન જમીને એન.કે.રેસ્ટોરન્ટ પાસે પિતરાઇ ભાઇ અલ્મસહુસેન શેખ, યાસીનમીયા, ભત્રીજો ફરહાન પાસે બેસવા માટે ગયો હતો. કૌટુંબીક ભાઇ અને ભત્રીજા બેસીને વાતચીત કરતા હતા ત્યારે ઇરફાન ઉર્ફે ગોલી છરો લઇને આવ્યો હતો અને હુમલો કરી દીધો હતો. ઇરફાને પહેલા ફરહાન ઉપર છરી હુલાવી દીધી હતી. ત્યાર બાદ અલ્મસહુસેન અને યાસીનમીયા પર છરી મારી હતી. ઇરફાનનો આતંક જોઇને આરીફહુસેન નાસી ગયો હતો અને જ્યારે તે ત્રણેય જણાને મારમારી રહ્યો હતો. આ ઘટના જોઇને આરીફહુસેનની કાકી શબાનાબાનું દોડીને આવ્યા હતા. જ્યાં ઇરફાને તેમના ઉપર પણ છરીના ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાનમાં ઇરફાનનો સંબંધી શાકીબ પણ દોડી આવ્યો હતો અને આરીફહુસેન પાસે આવીને ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો. ઇરફાનનો આતંક જોઇને આરીફહુસેને બુમાબુમ કરી દીધી હતી જેથી આસપાસના લોકો ભેગા થઇ ગયા. સ્થાનિકો દોડી આવતા ઇરફાન તેમજ શાકીબ નાસી ગયા હતા.

ફરહાન પરિક્ષાનું બીજું પેપર આપે તે પહેલા મોતને વ્હાલો થઇ ગયો

ફરહાનને વધુ લોહી નીકળતું હોવાથી આરીફહુસેન તેને રીક્ષામાં બેસાડીને હોસ્પિટલમાં લઇ ગયો હતો. ફરહાનની ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યારે અલ્મસહુસેન, યાસીનમીયા અને શબાનાબાનું પણ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. ઇરફાને મચાવેલા આતંકથી એક મહિલા સહિત ચાર લોકો ઘવાયા હતા. જેમાં 16 વર્ષના ફરહાનનું મોત થયું હતું. ઘટનાની જાણ ગોમતીપુર પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતા અને ઇરફાન ઉર્ફે ગોટી તેમજ શાકીબ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ફરહાન પરિક્ષાનું બીજું પેપર આપે તે પહેલા મોતને વ્હાલો થઇ ગયો. ફરહાન દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને તેની આજે પરિક્ષા હતી. ગઇકાલે ફરહાન ઘરેથી પરિક્ષાની તૈયારી કરીને થોડાક સમય માટે મુડ ફ્રેશ કરવા માટે સંબંધીઓ પાસે ગયો હતો.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन