Home /News /ahmedabad /અમદાવાદ: 30થી વધુ આરોપીઓએ એક ઇન્સ્યોરન્સ કંપનીનું કરી નાંખ્યું, આમ આચર્યું કૌભાંડ

અમદાવાદ: 30થી વધુ આરોપીઓએ એક ઇન્સ્યોરન્સ કંપનીનું કરી નાંખ્યું, આમ આચર્યું કૌભાંડ

વીમા કંપની સાથે 24 લાખની ઠગાઈ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Crime: હોસ્પિટલોમાં સારવારના બિલોથી 23 લોકોના ક્લેમ કરી વીમા કંપની સાથે 24 લાખની ઠગાઈ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરાઇ છે.

    અમદાવાદ: હોસ્પિટલોમાં સારવારના બિલોથી 23 લોકોના ક્લેમ કરી વીમા કંપની સાથે 24 લાખની ઠગાઈ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરાઇ છે. 30થી વધુ આરોપીઓએ એક ઇન્સ્યોરન્સ કંપની સાથે આ પ્રકારનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સાબરકાંઠા-પાટણની હોસ્પિટલો બતાવી હતી અને કંપનીએ તપાસ કરી તો આવી કોઈ હોસ્પિટલ ન હોવાનું પણ સામે આવ્યું છે.

    23.89 લાખનું ફુલેકું ફેરવ્યું

    આરોપી ચિરાગ આહીરએ તેના અન્ય મળતિયાઓ સાથે મળીને 24 લાખની ઠગાઇ આચરી હોવાનું સામે આવતા જ નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો અને એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ જે હોસ્પિટલો અસ્તિત્વમાં જ નથી તેવી હોસ્પિટલોમાં સારવાર લીધી હોય તેવા બોગસ દસ્તાવેજો બનાવી 23 લોકોના ક્લેમ કરી ઇન્સ્યોરન્સ કંપનીમાંથી 23.89 લાખનું ફુલેકું ફેરવ્યું હતું. પકડાયેલ આરોપી સાથે ભાવનગરના સંજય ખીમાણી, કિશોર કામલિયા, મહેસાણાના અમી પટેલ, અમદાવાદના નેહા કુચ્છા અને લક્ષ્મી શર્મા પણ આ ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે.

    આ પણ વાંચો: ઉત્તર પશ્ચિમનાં પવન ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે ઘટશે? જાણો આગાહી

    આમ પ્રકાશમાં આવ્યું સમગ્ર કૌભાંડ

    વીમા કંપનીમાંથી એક મહિલાએ પોલિસી લીધી હતી અને તેમણે રૂ.89,634નો ક્લેમ કર્યો હતો. જેમાં તેમણે બનાસકાંઠાના ભગવાન ગઢ ગામમાં આવેલી એક હોસ્પિટલમાં પગના સ્નાયુના ઇજાની સારવાર લીધેલાં બિલો રજૂ કર્યાં હતાં. જોકે, કંપનીએ બનાસકાંઠા જઈ તપાસ કરતાં આવી કોઈ હોસ્પિટલ નહીં હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આથી મહિલાએ ક્લેમ પાછો ખેંચી લીધો હતો. આ સિવાય ચિરાગ પટેલે વીમા કંપનીમાં રૂ.99,999નો ક્લેમ કર્યો હતો, જેમાં સાબરકાંઠામાં આવેલી એક હોસ્પિટલમાં હાથના સ્નાયુઓની સારવારના બિલો મૂક્યાં હતાં. કંપનીએ તપાસ કરી તો આ નામની હોસ્પિટલ ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી કંપનીએ અગાઉ ક્લેમ મંજૂર કરાવી ગયેલા 23 લોકોની ફાઇલો જોઈ તો તેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં જે હોસ્પિટલો અસ્તિત્વમાં ન હોય તેવી હોસ્પિટલો અને તબીબોના નામે બિલો રજૂ કર્યા હતાં. જે બનાવને લઇને આવેલી અરજી આધારે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

    એક આરોપી તો કોમ્પયુટરમાં જ આ રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવતો

    આરોપીઓએ બે વર્ષમાં 23 વીમાધારકોના નામે વિવિધ બીમારી બતાવી બોગસ હોસ્પિટલની ફાઇલો બોગસ ડોક્ટરના નામ-સિક્કા, સારવાર લીધાના ખોટા લેબ રિપોર્ટ, લેબોરેટરીના બિલો, મેડિકલ બિલ, હોસ્પિટલનો સારવાર ખર્ચ તથા ડિસ્ચાર્જ સમરીના બોગસ કાગળો તૈયાર કરીને વીમા કંપનીમાં રજૂ કર્યા હતા. જે ડોક્યુમેન્ટ પર આરોપીઓએ 23.89 લાખ મંજૂર પણ કરાવી લીધા હતા. જ્યારે કુલ 31 આરોપીઓમાંથી સંજય પટેલ એજન્ટ હોવાનું સામે આવ્યું છે અને આરોપીઓમાંથી એક આરોપી તો કોમ્પયુટરમાં જ આ રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવતો હોવાનું પકડાયેલ આરોપીએ કબૂલાત કરી છે.

    કૌભાંડના તાર અન્ય શહેરો સુધી પહોંચે છે?

    હાલ તો પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓ સુધીની આખી ચેન સુધી પહોંચવાના પ્રયાસ શરૂ કર્યા છે, ત્યારે હજુ 30 આરોપીઓ પકડાયા બાદ ઠગાઇનો આંકડો વધે છે કે કૌભાંડના તાર અન્ય શહેરો સુધી પહોંચે છે, તેવી શક્યતાઓ પોલીસ વ્યક્ત કરી રહી છે. આ કૌભાંડ કેટલા સમયથી આચરવામાં આવ્યું અને કંપનીના કોઇ લોકોની સંડોવણી છે કે કેમ તે પણ તપાસ શરૂ કરાઇ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Crime news, Gujarat News

    विज्ञापन
    विज्ञापन