Home /News /ahmedabad /રાહુલના સમર્થનમાં કોંગ્રેસના સત્યાગ્રહ સંકલ્પ ધરણા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની અટકાયત

રાહુલના સમર્થનમાં કોંગ્રેસના સત્યાગ્રહ સંકલ્પ ધરણા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની અટકાયત

સરદાર બાગ ખાતે કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં સત્યાગ્રહ સંકલ્પ ધરણા કાર્યક્રમ યોજાયો હતો

અમદાવાદના સરદાર બાગ ખાતે કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં સત્યાગ્રહ સંકલ્પ ધરણા કાર્યક્રમ યોજાયો હતો, તમામ નેતાઓની અટકાયત

અમદાવાદ: પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ થતાં કોંગ્રેસ સમગ્ર દેશમાં આક્રમક મોડમાં આવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં રાહુલ ગાંધીના સમર્થનમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમ જાહેર કરાયા છે. અમદાવાદના સરદાર બાગ ખાતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાનીમાં સત્યાગ્રહ સંકલ્પ ધરણા કાર્યક્રમ યોજાયો હતો. ધરણા કાર્યક્રમની પોલીસ પરવાનગી ન હોવાથી કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ નેતાઓની અટકાયત કરવામાં આવતી હતી. અમદાવાદ પોલીસ હેડકવાટર ખાતે તમામ કોંગ્રેસ નેતાઓ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ લઇ જવામાં આવ્યા હતા. પોલીસ હેડ ક્વાટર ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા.

કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ હેડક્વાટર લઇ જવાયા હતા

માનહાનીના કેસમાં બે વર્ષની સજા મળ્યા બાદ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા સમાપ્ત કરી દેવામાં આવી છે. જેના વિરોધમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા મથકો પર રાહુલ ગાંધીના સમર્થનમાં સત્યાગ્રહ સંકલ્પ ધરણા કાર્યક્રમ જાહેર કરાયો છે. રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની બાબત મજબૂત સંકેત છે કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ગંભીર સ્થિતિમાં છે, તે નિવેદન સાથે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓ પર દેખાવ અને ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત આજે અમદાવાદ સરદાર બાગ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતા અમિત ચાવડા સહિત ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. આખરી ઘડીએ પોલીસ પરવાનગી ન મળતા તમામ નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની અટકાયત કરી તમામ લોકોને પોલીસ હેડક્વાટર લઇ જવાયા હતા. પોલીસ હેડ ક્વાટર પહોંચેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ હલ્લાબોલ યથાવત રાખ્યો હતો. પોલીસ હેડ ક્વાટર ખાતે પણ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચો: કોરોના પોઝિટિવ મહિલાનું થયું મોત, ફરી માથું ઊંચકી રહ્યો છે કોરોના

દરેક જિલ્લા મથકો પર દેખાવ અને ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાશે

કોંગ્રેસ રાહુલ ગાંધીના સમર્થનમાં આવતી કાલે જિલ્લા કક્ષાએ પત્રકાર પરિષદનું આયોજન કરશે. તેમજ બપોર બાદ દરેક જિલ્લા મથકો પર દેખાવ અને ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાશે. નોધનીય છે કે, રાહુલ ગાંધી દ્વારા 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટક ખાતે ચૂંટણીની જાહેર સભામાં મોદી શબ્દને લઇને વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું. જેના પગલે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં માનહાની કેસ રાહુલ ગાંધી પર કર્યો હતો. સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજાનું એલાન કરાયુ હતું. 2 વર્ષની સજાના પગલે લોકસભા સચિવે નિયમ અનુસાર રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ કરી નાખી હતી. આ મુદ્દે કોંગ્રેસ રાજકીય દ્રેશ રાખ્યો હોવાના આરોપ સાથે સમગ્ર દેશમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં રાહુલ ગાંધીના સમર્થનમાં સત્યાગ્રહ સંકલ્પ ધરણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat News