Home /News /ahmedabad /અમદાવાદ: લાખો રૂપિયા લઈને પણ પોલીસનું પેટ ન ભરાયું, આપી આવી ધમકી

અમદાવાદ: લાખો રૂપિયા લઈને પણ પોલીસનું પેટ ન ભરાયું, આપી આવી ધમકી

બે પોલીસકર્મીઓ સામે જ તેમના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

Ahmedabad Crime: બે પોલીસકર્મીઓ સામે જ તેમના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, લાંચ અને તોડનું પ્રકરણ ચર્ચામાં. લાખો રૂપિયા લઈને પણ પેટ ન ભરાયું

અમદાવાદ: શહેરનું સરદારનગર પોલીસ સ્ટેશન એટલે કમાઉ પોલીસ સ્ટેશન તરીકે ઓળખાય છે. અહીં બેસનારા અધિકારીઓ લાખોમાં નહીં પણ કરોડોમાં રમતા હોય છે. અહીં તો પોસ્ટિંગ આવ્યા બાદ કેટલા સમય સુધી અધિકારીઓ ટકશે તે પણ નક્કી નથી હોતું અને અમુક અધિકારીઓ જ્યારે કરોડો રૂપિયા આપીને અહીં બેસે છે ત્યારે તેમનો સમય લાંબો ચાલશે એવું કહેવાતું હોય છે. ત્યારે આ સીટ રિઝર્વ કરવા લોકો પાસે જ ઉઘરાણા કરાતા હોય છે. સરદારનગર પોલીસ સ્ટેશન ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. કુબેરનગર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીએ યુવકને દારૂની હેરફેરનો કેસ કરી પાસામાં જેલમાં ધકેલવાની ધમકી આપીને 2.60 લાખ રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં જે રિક્ષામાંથી દારૂ પકડાયો તે રિક્ષાના ડ્રાઈવરને રજૂ કરવા માટે દબાણ કરીને ત્રાસ આપતા હતા. જે મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં બે પોલીસ કર્મીઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

'...નહીંતર ઉઠાવી લઇશું,' ધમકી આપી 2.60 લાખ પડાવ્યા

સાબરમતીના રજની વૈષ્ણવ 25 વર્ષથી વેજિટેબલ સપ્લાયનો વેપાર કરે છે. વેપાર માટે તેમણે વ્હીલર લોડીંગ રિક્ષા ખરીદી હતી પરંતુ જૂની થઈ જતાં એક ડિલરને વેચી દીધી હતી. ગત 29 સપ્ટેમ્બરે કુબેરનગર પોલીસ ચોકીના બે કર્મચારી રજનીભાઈના ઘરે ગયા હતા અને તમારી રિક્ષામાંથી દારૂ પકડાયો છે, જેથી તમે પોલીસ ચોકી આવજો નહીં તો ઉઠાવી લઈશું તેમ જણાવ્યું હતું. ત્યારે રજની વૈષ્ણવે રિક્ષા વેચી દીધી હોવાનું કહ્યું હતું. જ્યાં પોલીસકર્મી ગૌતમ અને પ્રગ્નેશે રિક્ષામાંથી દારૂ પકડાયાનું અને તમે દારૂનો વેપાર કરતો હોવાનું કહી કેસ કરવાની ધમકી આપી 2.60 લાખ પડાવ્યા હતા. પૈસા આપ્યા છતાં આ બન્ને પોલીસ કર્મચારી દારૂ લઈ જતી રિક્ષા આરટીઓમાં તમારા નામે છે જેથી રિક્ષાના ડ્રાઈવરને શોધીને પોલીસને આપો તેમ કહીને હેરાન કરતા હતા.

આ પણ વાંચો: IPS અધિકારીના નામે મહિલાને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ

'હજુય આટલાથી પત્યું નથી'

છેવટે રજનીભાઈ તથા તેમના ભાઈ દિનેશે ઝોન 4 ડિસીપીને રજૂઆત કરી હતી. બાદમાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ગૌતમ અને પ્રગ્નેશના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. બન્ને પોલીસ કર્મીઓએ રજની અને દિનેશને દારૂના કેસમાં ફસાવી દેવા તથા પાસા કરી દેવાની ધમકી આપીને 5 લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે, રજનીભાઈએ આટલા બધા પૈસા ન હોવાની વાત કરતા છેવટે બન્ને પોલીસ કર્મીઓએ રૂ.2.60 લાખની માંગણી કરીને પૈસા મેળવી પણ લીધા હતા. હજુય આટલાથી પત્યું નથી, તેમ કહી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ઉચ્ચ અધિકારીઓને રજૂઆત બાદ પોલીસે આ બંને પોલીસકર્મીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News