અમદાવાદ: ચાઇનીસ દોરી રાખનાર કે વેચનાર સામે શહેર પોલીસે સપાટો બોલાવ્યો છે. ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે શહેરમાં શુક્રવારે અને શનિવારે અનેક કેસ કરાયા છે. જ્યારે સોશિયલ મીડિયા દ્વારા ચાઈનીઝ દોરી વેચનારા 2 પકડાયા છે. સાયબર ક્રાઇમે પણ સોશિયલ મિડીયા થકી ચાઇનીઝ દોરી વેચનાર બે લોકોને નોટિસ આપી ધરપકડ કરી હતી. સાથે જ વેચાણ કરનાર મોટી કંપનીઓને વેચાણ બંધ કરવા નોટિસ અપાઇ છે.
15 આરોપીઓની ધરપકડ
ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ગોમતીપુર, શહેરકોટડા, વટવા, ઇસનપુર, માધવપુરા અને મણિનગરમાં આ બાબતે કેસ નોંધાયા છે. પોલીસે 15 ગુના નોંધી 15 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અલગ-અલગ સ્થળેથી 260થી વધુ રિલ પકડાઈ છે. આ તમામ લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે.
બીજી બાજુ, ચાઇનીઝ દોરી મામલે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કૃષ્ણનગર પોલીસે 100 ચાઈનીઝની રિલ ઝડપી પાડી હતી. પોલીસે પ્રતિબંધિત દોરીના વેચાણ અંગે પતિ, પત્ની સામે કાર્યવાહી હાથ ધરી હતી. મહિલા ચાઇનીઝ દોરી ચોરીછુપે વેચતી હતી. મહિલાને તેના પતિએ વેચાણ માટે રીલ આપ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
સુરેન્દ્રનગરના રતનપરા વિસ્તારમાં પણ પોલીસે ચાઇનીઝ દોરી મામલે ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર એક વ્યક્તિ ઝડપાયો હતો. પોલીસે 244 નંગ ચાઈનીઝ રિલ સહિત 27,130 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.