અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં માસાની હવસનો ભોગ એક સગીરા બની છે. બે મહિનાના સમયમાં માસાએ બે વખત ભાણીની એકલતાનો લાભ લઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે હકીકત પોલીસ સમક્ષ આવતા ખોખરા પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
આવી રીતે હકીકત આવી સામે
ખોખરા પોલીસને કસ્ટડીમાં આવેલા નરાધમે સગીર વયની ભાણી સાથે એકલતાનો લાભ લઈ બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જે હકીકત પરિવારની સામે આવતા પરિવારે ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સગીરાને છાતીમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ભાંડો ફૂટ્યો અને સગીરાની માતાએ ખોખરા પોલીસ મથકમાં બળાત્કાર અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમ માસાની ધરપકડ કરી હોવાનું ખોખરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે. વી. રાઠોડે જણાવ્યું છે.
મહત્વનું છે કે, એક દિવસ અગાઉ સગીરાને છાતીના ભાગે દુખાવો થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે સગીરા ગર્ભવતી હોવાનું કહેતા માસાએ બળાત્કાર ગુજાર્યો હોવાની હકીકત સામે આવી હતી. જોકે, પ્રેગનેન્સી કિટથી પરીક્ષણ કરતા સગીરા ગર્ભવતી ન હોવાનું સામે આવ્યું હતું. પરંતુ ડોક્ટરની તપાસ દરમિયાન સગીરાએ તેના શોષણ વિશે માતાને હકીકત જણાવી હતી. જે બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો અને ગુનો નોંધાયો છે.
મહત્વની વાત છે કે, સગીરા અથવા તો મહિલાઓના શોષણમાં પરિચિત અથવા તો તેમની નજીકના લોકો જ આરોપી તરીકે સામે આવતા હોય છે, ત્યારે અજાણ્યાથી રક્ષા કરવાને બદલે સગીરા અને મહિલાઓ પોતાના પરિચિતની જ હવસનો શિકાર બને છે. તેને કેવી રીતે રોકી શકાય તે સભ્ય સમાજમાં સૌથી ગંભીર પ્રશ્ન છે, ત્યારે આ કેસમાં હાલ તો પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.