અમદાવાદઃ સાબરમતી જેલમાં નાર્કોટિક્સના ગુનામાં રહેલા એક આરોપીને હ્યદયની બિમારી થતાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના પિતાને જાણ કરાતા તેઓ પણ આવી પહોંચ્યા હતા. આ દરમિયાન વૃધ્ધ એક ગેસ્ટ હાઉસમાં રહેતા હતા ત્યારે એક સંજય જૈન નામના ગઠિયા સાથે સંપર્ક થયો હતો. જે શખ્સે વકીલના આસિસ્ટન્ટ વકીલ હોવાની ઓળખ આપી વૃધ્ધને તેમના દીકરાના જામીન કરાવી આપવાની વાતો કરી વૃધ્ધના 3.86 લાખ પડાવી લીધા હતા. બાદમાં આ શખ્સે વૃધ્ધના ફોન ઉપાડવાના બંધ કરી દઇ જામીન ન અપાવતા વૃધ્ધે અરજી આપતા પોલીસે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આવી રીતે ગઠિયાના સંપર્કમાં આવ્યા
રાજસ્થાનમાં રહેતા મુલચંદભાઇ ઘાંચી તેમના પરિવાર સાથે રહે છે અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો મોટો પુત્ર પ્રવિણ મુંબઇ ખાતે નોકરી કરતો હતો અને હાલમાં નાર્કોટીક્સના ગુનામાં અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે. દિકરાને સેન્ટ્રલ જેલમાં હાર્ટની બીમારી થતા ગત 13 ડિસેમ્બરના રોજ સારવાર માટે અસારવા સિવિલ યુ.એન. મેહતા ખાતે લાવી સારવાર કરાવવામાં આવી હતી. તે દરમ્યાન ડોકટરએ બાયપાસ સર્જરી કરાવવાનું કહેતા આ બાયપાસ સર્જરી કરાવવા માટે મુલચંદભાઇને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતેથી ફોન આવ્યો હતો. જેથી તેઓ તેમના દીકરાની હોસ્પિટલમાં સારસંભાળ માટે ગામથી અમદાવાદ સિવિલ યુ.એન. મેહતા ખાતે આવ્યા હતા. તે દરમ્યાન તેઓ સિવિલ હોસ્પિટલ સામે આવેલ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ત્યાં તેમને સંજય જૈન નામનો વ્યક્તિ મળ્યો હતો. જે તેમના વતન બાજુનો હોવાથી સંપર્કમાં આવ્યો હતો.
આ સંજયે મુલચંદભાઇને જણાવ્યું કે, તે વકીલનો આસિસ્ટન્ટ વકીલ છે અને નાર્કોટીક્સના કેસ લડે છે, તમારા દિકરાના જામીન કરાવી આપીશ. મુલચંદભાઇ આ સંજયની વાતોમાં આવી ગયેલ અને મારા દિકરાના જામીન કરાવવા માટે તેના કહ્યા પ્રમાણે કુલ રુપિયા 3.86 લાખ અલગ-અલગ દિવસે ચૂકવ્યા હતા. ત્યાર બાદ મુલચંદભાઇએ આ શખ્સને ફોન કરતા આરોપીએ ફોન ઉપાડ્યો નહોતો અને જામીન કરાવ્યા નહોતા. આમ અવાર-નવાર મુલચંદભાઇ આ સંજય નામના શખ્સને ફોન કરતા તે ફોન ઉપાડતો નહીં. જેથી તેમને શંકા ગઇ કે સંજય જેણે વકીલની ખોટી ઓળખ આપી દિકરાને જેલમાંથી જામીન કરાવવાનું કહી વિશ્વાસમાં લઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 3.86 લાખ મેળવી છેતરપિંડી કરી છે. જેથી મુલચંદભાઇએ આ અંગે સંજય જૈનની કાયદેસર તપાસ થવા માટે અરજી આપતા સાયબર ક્રાઇમે આ અંગે હવે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.