Home /News /ahmedabad /અમદાવાદ: વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ભણવાનું અઘરૂં લાગતાં સગીરાએ ભર્યું આ પગલું
અમદાવાદ: વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ભણવાનું અઘરૂં લાગતાં સગીરાએ ભર્યું આ પગલું
ભણવાનું અઘરૂં લાગતાં સગીરાએ ભર્યું આ પગલું (પ્રતીકાત્મક તસવીર)
Ahmedabad News: કોલેજે પિતાને ફોન કરી કહ્યું કે, તમારી દીકરી ત્રણ મહિનાથી કોલેજ આવતી નથી. માતા-પિતાએ ઠપકો આપતાં સગીરા કોલેજ તો ગઇ પરંતુ પછી વળી નહીં...
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક સગીરા ઘરેથી કોલેજ જવા માટે નીકળ્યા બાદ પરત ન આવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સગીરા એક કોલેજમાં અભ્યાસ કરતી હતી, પરંતુુ છેલ્લા ત્રણેક માસથી તે કોલેજ ગઈ જ નહોતી. જે બાબતે કોલેજમાંથી તેના પિતાને જાણ થતાં તેને પૂછતાં તેણે વેકેશન હોવાનું બહાનું બતાવ્યું હતું. પછી તેણે ભણવાનું અઘરું લાગતું હોવાથી તેને કોલેજ ન જવું હોવાનું કહેતા માતા પિતાએ સામાન્ય ઠપકો આપ્યો હતો. જેથી તે બીજે દિવસે કોલેજ ગઈ અને બાદમાં ઘરે ન આવતા સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કોલેજમાંથી ઠપકો આપતાં હકિકત સામે આવી
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા 41 વર્ષીય યુવક તેના પરિવાર સાથે રહે છે અને ગારમેન્ટનો વેપાર કરે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ છે. જેમાં 16 વર્ષની એક દીકરી દેહગામ રોડ પાસે આવેલી એક યુનિવર્સિટીમાં ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. ગત 13 તારીખના રોજ સવારે આ યુવકને મોટી દીકરીની કોલેજમાંથી ફોન આવ્યો હતો અને જણાવવામાં આવ્યું કે, તમારી દીકરી છેલ્લા ત્રણ મહિનાથી કોલેજ કેમ આવતી નથી? ત્યારે સગીરાના પિતાએ જણાવ્યું કે તેમની દીકરીએ કહ્યું હતું કે હાલ વેકેશન છે. કોલેજ તરફથી કોઈ વેકેશન નથી પડ્યું કોલેજ ચાલુ છે, તેવું જણાવવામાં આવ્યું હતું. પિતાએ દીકરીને કોલેજમાંથી ફોન આવ્યો હોવા બાબતે વાત કરતા દીકરીએ જણાવ્યું કે, હા પપ્પા કોલેજ ચાલુ છે પણ મને ભણવાનું અઘરું પડે છે, તો કોલેજ જવાનું મારું મન નથી. જેથી સગીરાના માતા પિતાએ તેને સામાન્ય ઠપકો આપ્યો હતો.
બાદમાં બીજે દિવસે એટલેકે 14મીએ સવારે સગીરા કોલેજની બેગ લઈને કોલેજ જવાનું કહી કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. રોજિંદા સમય પ્રમાણે સાંજે તે ઘરે આવી નહોતી. જેથી પિતાએ આ દીકરીને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. દીકરી જે ગાડીમાં કોલેજ જાય છે તે ગાડીના ડ્રાઇવરને ફોન કરીને પૂછતા તેઓએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી તેમની દીકરી આવી જ નથી. સાંજના સમયે સગીરાના પિતાને દીકરીની કોલેજમાંથી મેસેજ આવ્યો હતો. જે મેસેજમાં તેને લેક્ચર અટેન્ડ કર્યો હોવાનો લખાણ લખ્યું હતું. જેથી પિતાએ તેમની દીકરીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ક્યાંય મળી ન આવતા યુવકે આ મામલે ફરિયાદ આપતા પોલીસે આ સગીરાની મોબાઈલ ફોનના આધારે તથા અન્ય રીતે તપાસ શરૂ કરી છે અને તેની ભાળ મેળવવાની કોશિશ પોલીસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભણવા માટે સતત પ્રેશર કરનાર વાલીઓએ ખાસ ચેતવું જોઈએ. કેમ કે, તેમના પ્રેશરના લીધે ક્યારેક બાળકો સહન શક્તિ ગુમાવી બેસતા હોય છે અને બાદમાં આવા કોઈપણ પ્રકારના પગલાં ભરી લેતા હોય છે. વાલીઓએ બાળકોને સરળ રીતે ભણાવવું અને તેમને ફાવે એ રીતે અને તેટલું જ ભણાવવું જોઈએ, તેવું અનેક જાણકાર લોકો પણ માની રહ્યા છે.