Ahmedabad Canda Visa Fraud: અમદાવાદની એક ટોળકીએ 100થી વધુ લોકો સાથે કેનેડાની વર્ક પરમિટ મેળવવાના નામે છેતરપિંડી આચરી છે. તેટલું જ નહીં આ લોકોએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી નાંખ્યું છે. આ ટોળીએ વોટ્સએપ ગ્રુપની મદદથી લોકોને ફસાવ્યાં હતા.
અમદાવાદઃ અવારનવાર વિદેશ જવાના નામે છેતરપિંડી કરવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે વધુ એક ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ છે. આ ટોળકીએ એક બે નહીં પરંતુ 100થી વધુ લોકો સાથે ઠગાઈ કરી છે. આર્થિક ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં આવેલા કલ્પેશકુમાર પટેલ, તેમના પત્ની હીના પટેલ, બાબુ પટેલ અને ઋત્વિક પટેલે સમાજના લોકોનો વિશ્વાસ કેળવી વિદેશ મોકલવા અને વર્ક પરમિટના વિઝા અપાવવાનું કહી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી નાંખ્યું છે. આ ટોળકી ફક્ત પાટીદાર સમાજના યુવાનોને જ કેનેડા મોકલવા વર્ક પરમિટ વિઝા વાજબી ભાવે આપવાનું કહી છેતરપિંડી આચરતી હતી.
લોકો પાસેથી 2.50 લાખ પડાવ્યા
આ ટોળકીએ ‘ઇન્ડિયા લાર્જેસ્ટ કોમ્યુનિટી એપ કુટુંબ’ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં કેનેડાના વર્ક પરમિટ મેળવવાની લાલચ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. વિઝા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કલ્પેશ પટેલ અંબાજીના એસટી ડેપોમાં ડેપો મેનેજર તરીકે નોકરી કરે છે. તેની પત્ની લોકોને કેનેડાની વર્ક પરમિટ અપાવવાનું કહેતી હતી. લોકોને 8.50 લાખના ખર્ચની વાત જણાવી અઢી લાખ રૂપિયા પડાવતા હતા.
કલ્પેશ પટેલ લોકો પાસેથી ચેક લઈ પત્ની હીનાના એકાઉન્ટ સહિત અન્ય આરોપીઓના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતા હતા. આરોપીઓએ કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાને બદલે કમિશન માટે અને વિઝિટર વિઝા ફાઇલની પ્રોસેસ શરૂ કરી દીધી હતી. પરંતુ વિઝિટર વિઝા ન મળતા અંતે ભોગ બનનારે 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ દંપતી સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આ વિઝા કૌભાંડમાં ગણપત પટેલ અને શ્વેતા પટેલ ફરાર છે.
મહેસાણાના દંપતીએ અને અન્ય એજન્ટોએ કમિશન માટે ખોટા LMAI લેટરો આપી તેમજ ભોગ બનનારનો મેડિકલ તથા બાયોમેટ્રિક ટેસ્ટ પણ કરાવ્યો હતો. અંતે વર્ક પરમિટ વિઝા નહીં અપાવીને છેતરપિંડી આચરી હતી. હાલમાં પોલીસે ફરાર દંપતીની શોધખોળ હાથ ધરી છે.