Home /News /ahmedabad /અમદાવાદઃ લોકોને ભયમાં મૂકી હાથમાં ફટાકડા ફોડ્યા, તે જ હાથમાં પોલીસ હથકડી પહેરાવશે

અમદાવાદઃ લોકોને ભયમાં મૂકી હાથમાં ફટાકડા ફોડ્યા, તે જ હાથમાં પોલીસ હથકડી પહેરાવશે

હાથમાં ફટાકડા ફોડી નિયમોનો ભંગ કરી લોકોને ભયમાં મૂકતા ફરિયાદ નોંધાઇ

Ahmedabad Crime: કેટલાક લોકોએ જાહેર રોડ પર બારાત આવી હોવાની ખુશી મનાવી હાથમાં ફટાકડા ફોડી નિયમોનો ભંગ કરી લોકોને ભયમાં મૂકતા ફરિયાદ નોંધાઇ

અમદાવાદઃ શહેરનો રખિયાલ વિસ્તાર આમ તો અસામાજીક તત્વો માટે નામચીન ગણાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક લોકો કોઇ પ્રસંગ હોવાથી જાહેર રોડ પર લોકોનો જીવ જોખમાય કે ડરનો માહોલ સર્જાય તે રીતે હાથમાં ફટાકડા ફોડતા હતા. જે વીડિયો વાયરલ થતાં જ રખિયાલ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ખાનગી રાહે આ બાબતને લઇને તપાસ કરતા પોલીસે આ વિસ્તારમાં બારાત આવી હોવાની ખુશી મનાવી તેમાં આવેલા લોકોએ આ રીતે લોકોને ડરના માહોલમાં મૂકી ફટાકડા ફોડ્યા હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે આ મામલે બે લોકોના નામજોગ ફરિયાદ નોંધી લોકો આવું કૃત્ય ન કરે તે રીતની દાખલારૂપ કામગીરી કરી છે.

વીડિયો વાયરલ થયો હતો

સોશિયલ મીડિયામાં એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો. જેમાં રોડ બ્લોક કરી કેટલાક લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. જેમાંના કેટલાક લોકો તો હાથમાં ફટાકડા ફોડી રીતસરનું લોકોને ડરના માહોલમાં મૂકતા હોય તેવું જણાતું હતું. આ તમામ લોકોને જાણે કે કાયદો કે પોલીસનો ડર ન હોય તેમ રખિયાલ પોલીસ સ્ટેશન પાસે જ આ રીતે જાહેરમાં રોડ બ્લોક કરી ફટાકડા ફોડી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. વોટ્સએપ ગ્રુપમાં જાહેરમાં લોકોનો જીવ જોખમાય અને ડરનો માહોલ સર્જાય એ રીતે ફટાકડા ફોડવાનો વીડિયો વાયરલ થતાં જ રખિયાલ પોલીસ એક્શનમાં આવી હતી.


આ પણ વાંચો: પોતાની પોળની સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા આમણે બનાવ્યો છે મસ્ત પ્લાન

તપાસમાં શું બહાર આવ્યું?

પોલીસે આ મામલે તપાસ કરતા મહાગુજરાત બેકરી કે જે પોલીસ સ્ટેશન પાસે જ આવેલી છે, ત્યાંનો વીડિયો હોવાનું સામે આવ્યું હતું. કેટલાક લોકોએ રોડ બ્લોક કરી લોકોના જીવ જોખમાય એ રીતે ફટાકડા ફોડ્યા હોવાનું પુરવાર થયું હતું. જેને લઇને પોલીસે વીડિયો આધારે તપાસ કરતા મોહમદ શકીલ મોહમદ શાબીર અંસારીના ત્યાં બારાત આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.  જેથી પોલીસે તેના ભાઇ મોહમદ નવસાદને બોલાવી પૂછપરછ કરતા પોતાની ભત્રીજીના લગ્ન હોવાથી સાસરી પક્ષના માણસો બહેરામપુરાથી બારાત લઇને આવ્યા હોવાની હકીકત તેણે પોલીસને જણાવી હતી. જેથી યુવતીના સાસરી પક્ષના લોકોને બોલાવી પૂછપરછ કરતા ફટાકડા ફોડનાર ફતેહવાડીમાં રહેતો કરીમખાન પઠાણ અને બહેરામપુરામાં રહેતો અસ્ફાક સિપાહી હોવાનું સામે આવતા તે બંને તથા તપાસમાં મળી આવે તેની સામે રખિયાલ પોલીસે ગુનો નોંધી કાયદાના પાઠ ભણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ બારાત આવી હોવાથી ખુશી ખાતર આતશબાજી કરી હતી. પોલીસે હાલ આઇપીસી 285 (આગ અથવા સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારીભર્યુ આચરણ કરવું), 283 માર્ગમાં ભય કે અડચણ ઉભી કરવી કે હાનિ પહોંચાડવી તથા 188 જાહેરનામાનો ભંગ કરવા બાબતે ગુનો નોંધી આ વીડિયોમાં લોકોને ભયમાં મૂકનાર જેટલા પણ લોકો હતા તે તમામ લોકોને પકડવાની કામગીરી હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News