અમદાવાદ: જિલ્લાના ભૂલાવડી ગામ પાસે ઝાણું ગામની સીમમાં લાકડા લેવા ગયેલા દેરાણી-જેઠાણીની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા (Ahmedabad Murder) ચકચાર મચી ગઈ છે. બંનેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જોકે, ક્યાં કારણોસર અને કોણે આ હત્યાના બનાવને અંજામ આપ્યો છે તે અંગે પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે.
લાકડા લેવા માટે ગયેલા દેરાણી-જેઠાણીના મૃતદેહ મળ્યા
ભુલાવડી નજીક ઝાણું ગામની સીમમાં અવવારું જગ્યામાં લાકડા લેવા માટે ગયેલા દેરાણી-જેઠાણીના મૃતદેહ મળ્યા છે. ગામમાં રહેતા ગીતા બહેન અને મંગી બહેન ઠાકોર નામના દેરાણી જેઠાણી નિત્યક્રમ મુજબ બપોરના સમયે લાકડા લેવા માટે સીમમાં ગયા હતા. જોકે, સામાન્ય રીતે તેઓ બપોરના સમયે ઘરે પરત આવી જાય છે. પરંતુ આજે સાંજના પાંચ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.
જેમાં બંને દેરાણી જેઠાણીની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. બંને દેરાણી-જેઠાણીને ગળાના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાના ઘા જોવા મળ્યા હતા. બંનેના મૃતદેહ નજીવા અંતરે જ જોવા મળ્યા હતા. મૃતક દેરાણી-જેઠાણી રોજ અહીં લાકડા લેવા માટે આવતા હતા.
શું કહે છે પરિવાર?
તેમના પરિવારજનોનું કહેવું છે કે, તેમને કોઈની સાથે ક્યારેય કોઈ ઝઘડો કે અદાવત પણ નથી. આ સંજોગોમાં બંનેની હત્યા કોણે અને શા માટે કરી એ રહસ્ય અકબંધ છે. સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને એસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલમાં આ મામલે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી એફએસએલની મદદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.