Home /News /ahmedabad /અમદાવાદની લૂંટેરી દુલ્હન: યુવકે લગ્નમાં આપેલા દાગીના લઇ એક જ મહિનામાં થઇ ગઇ ગાયબ
અમદાવાદની લૂંટેરી દુલ્હન: યુવકે લગ્નમાં આપેલા દાગીના લઇ એક જ મહિનામાં થઇ ગઇ ગાયબ
વાડજ પોલીસ સ્ટેશન
Ahmedabad News: યુવક અને યુવતીનો સંપર્ક કરાવનાર બે લોકોમાંથી એક પોલીસકર્મી હોવાની ચર્ચા ચાલી રહી છે. છેતરપિંડી થઇ હોવાનો યુવકને અહેસાસ થતાં મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદઃ શહેરમાં રહેતા એક યુવકના 40 વર્ષે પણ લગ્ન થતા નહોતા. જેથી તેણે એક ઓળખીતાને કોઇ સ્ત્રી હોય તો લગ્ન માટે બતાવવા કહ્યું હતું. જેથી તે વ્યક્તિએ એક સ્ત્રી સાથે આ યુવકની મુલાકાત કરાવી આપી હતી. સ્ત્રી મળવા આવી ત્યારે એક બાળકી પણ લઇને આવી હતી જે બાળકી અગાઉના લગ્ન સંબંધની હોવાનું કહ્યું હતું. આ બાળકીને લઇને જ તે લગ્ન કરીને આવશે તેવું કહેતા યુવકે હા પાડી હતી. બાદમાં સ્ત્રીએ યુવક પાસે લગ્નમા ંઅમુક દાગીના પણ માંગ્યા હતા. બાદમાં કોર્ટ મેરેજ કરીને સ્ત્રી ઘરે રહેવા આવી અને પતિ પત્ની તરીકેના હક ભોગવવાની આ યુવક વાત કરે તો તે મનાઇ કરી દેતી હતી.
એક દિવસ દાગીના કબાટમાં મૂકવાનું કહીને આ સ્ત્રી મંદિરે જવા નીકળી હતી. બાદમાં તે પરત જ ન આવી અને યુવકે ફોન કરતા તેણે પરત આવવાની મનાઇ કરી દાગીના લઇને ફરાર થઇ ગઇ હતી. જેથી યુવક સાથે છેતરપિંડી થઇ હોવાનો તેને અહેસાસ થતાં તેણે આ મામલે સ્ત્રી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, યુવતી અને યુવકનો સંપર્ક બે લોકોએ કરાવ્યો હતો. જેમાંનો એક વ્યક્તિ જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે ત્યાંનો જ જૂનો વટીવટદાર અને હાલ શહેરની એક એજન્સીમાં ફરજ બજાવતો હોવાની ચર્ચા છે.
શહેરના નિર્ણયનગરમાં રહેતા 40 વર્ષીય યુવક પોતાનું એકટિવા એક કેબ સર્વિસ કંપનીમાં ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે. થોડા મહિના અગાઉ તેમના બ્લોકમાં રહેતા એક મહિલાના નાના ભાઈ તેઓના ઘરે અવરજવર કરતા હોવાથી તેમને સારી રીતે આ યુવક ઓળખતા હતા. જેઓને આ યુવકે પોતાના લગ્ન થયા ન હોવાથી કોઈપણ સમાજની છોકરી હોય તો મારે લગ્ન કરવા છે તેવી વાત કરી હતી. ત્યારબાદ આ યુવકને એક છોકરી બતાવવામાં આવી હતી.
આ સ્ત્રી સાથે એક નાની સાત વર્ષની છોકરી પણ હોવાથી સ્ત્રીએ જણાવ્યું કે, તેના અગાઉ લગ્ન થયા હતા અને છૂટાછેડા થઈ ગયા છે જેના થકી આ દીકરી છે. જે દીકરી સાથે લઈને આવીશ. બાદમાં સ્ત્રીએ આ દીકરી સાથે લઈને આવું અને તમે લગ્ન કરવા તૈયાર હોવ તો હું પણ તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું તેમ કહ્યું હતું. જેથી આ યુવકે અને તેની માતાએ હા પાડતા બંને લોકો એકબીજાને મોબાઈલ નંબર આપ લે કર્યો હતો. બાદમાં આ સ્ત્રીએ યુવકને જ્યારે તમે તૈયાર હોવ એ દિવસે હું લગ્ન કરવા તૈયાર છું તેમ કહ્યું હતું.
બાદમાં આ સ્ત્રીએ યુવકને લગ્ન કરતી વખતે સોનાની બંગડી મંગળસૂત્ર ચાંદીના દાગીના લાવવા પડશે તેમ કહેતા આ યુવક અને તેની માતાએ એક જ્વેલર્સમાંથી દાગીના ખરીદ્યા હતા અને બાદમાં વર્ષ 2022 ના જૂન મહિનામાં કોર્ટ મેરેજ કર્યા હતા. તે વખતે આ સ્ત્રીને દાગીના પહેરાવવી લગ્નની વિધિ પૂર્ણ કરી યુવક તેના ઘરે લાવ્યો હતો. લગ્ન બાદ આ યુવક આ સ્ત્રી સાથે પતિ પત્ની તરીકેના હકો ભોગવવાની વાત કરતો ત્યારે સ્ત્રી કહેતી કે હાલમાં તેની તબિયત ખરાબ છે સારી થશે. ત્યારે તમામ હકો ભોગવીશું.
બાદમાં એક મહિના પછી ફરીથી યુવકે પતિ પત્ની તરીકેના હક ભોગવવાની વાત કરતા સ્ત્રીએ શરીર સંબંધ નહીં બાંધવા દવ હું તો ફક્ત મોજ કરવા આવી છું. તેમ કહેતા યુવક ગભરાઈ ગયો હતો અને બીજા જ દિવસે આ સ્ત્રી મંદિરે જવાનું કહી ઘરમાં રાખેલા લગ્ન વખતે આપેલા દાગીના કાઢી કબાટમાં મૂકી દઈશ તેવું કહી દર્શન કરવાના બહાને નીકળી ગઈ હતી. એકાદ કલાક સુધી આ સ્ત્રી પરત ન આવતા યુવકે તેને ફોન કર્યો હતો. ત્યારે સ્ત્રીએ કહ્યું કે, હું તારા ઘરે પાછી આવવાની નથી તો મને ડિવોર્સ આપી દે. જેથી યુવકની સાથે છેતરપિંડી થઈ હોવાનો તેને અહેસાસ થતાં સ્ત્રીને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ તે માની નહોતી અને ડિવોર્સ આપી દેવાની વાત કરી ધમકી આપતી હતી. જેથી સમગ્ર બાબતને લઈને યુવકે આ સ્ત્રી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સ્ત્રી સાથે સંપર્ક કરાવનાર બે લોકો હતા જેમાંથી એક વ્યક્તિ શહેરની એક એજન્સીમાં ફરજ બજાવતો અને વાડજ પોલીસ સ્ટેશનનો જૂનો વહીવટદાર હોવાની ચર્ચા ચાલી છે.