અમદાવાદ: શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કણભા પોલીસ સ્ટેશના સ્ટાફને બાતમી મળી હતી કે, એક બુટલેગર ગાડી લઇને તેમના વિસ્તારમાંથી પસાર થવાનો છે. જે પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરે છે. જેથી પોલીસની ટીમ એક ગામ પાસે વોચમાં હતી. ત્યારે આ સત્યપ્રકાશ ઉર્ફે બાબુ નામનો બુટલેગર એક સ્ત્રી સાથે નીકળતા તેને કોર્ડન કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસને મારી નાખવના ઇરાદે ગાડી ચઢાવી દેતા ટીઆરબી જવાન રોડ પર પડી ગયો હતો. બાદમાં તેની ગાડીનો પીછો કરી પોલીસે તેને રોક્યો હતો. ત્યારે તેની સાથે રહેલી સ્ત્રીએ ઝપાઝપી કરતા પોલીસ કર્મી ગાડીમાં જ લટકાઇ ગયો હતો. બાદમાં આરોપીએ પોલીસને ધમકીઓ આપતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ એક ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ રામસિંગભાઈ તેમની ટીમના લોકો સાથે ફરજ ઉપર હાજર હતા. તે દરમિયાન પ્રોહિબિશનનો વોન્ટેડ આરોપી સત્યપ્રકાશ ઉર્ફે બાબુ સોની ગાડી લઈને દહેગામથી અમદાવાદ આવવાનો હોવાની બાતમી મળી હતી. આરોપી એણાસણ ગામથી પસાર થઈ દહેગામથી અમદાવાદ નીકળ્યો હોવાની બાતમી મળી હતી.
પોલીસ એનાસણ ગામ નજીક વોચમાં હાજર હતી. તે દરમિયાન દહેગામથી આવતી ક્રેટા ગાડી દેખાતા પોલીસે ટોર્ચથી ઈશારો કરી ગાડી ઉભી રાખવા પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન ગાડીના ચાલકે પોલીસ ઉપર મારી નાખવાના ઈરાદાથી ગાડી ચઢાવી દીધી હતી. જેના કારણેથી ટીઆરબી જવાન રોડ ઉપર પડી ગયો હતો. બાદમાં આ ગાડીનો પીછો કરતા ગાડીનો ચાલક સ્પીડમાં કાવા મારી ગાડી ચલાવી ભાગવા જતો હતો. દરમિયાન પોલીસે ઓવરટેક કરી આ ગાડીને ઉભી રાખી હતી. ત્યારે તે ગાડીમાંથી સત્ય પ્રકાશ ઉર્ફે બાબુ નામનો બુટલેગર અને એક સ્ત્રી હાજર મળી આવ્યા હતા.
આરોપી સત્ય પ્રકાશ ઉર્ફે બાબુએ પોલીસને ધમકી આપી કે, મેરે ઉપર કાફી ગુને હે મુજકો પકડને કી હિંમત નહીં કર, એવું કહેતા પોલીસે ગાડીમાંથી ચાવી કાઢી લીધી હતી. ત્યારે ગાડીમાં બેઠેલી સ્ત્રીએ પોલીસ સાથે ઝપાઝપી કરી ગાડી છોડી દેવા કહ્યું હતું. ત્યારે આરોપી સત્ય પ્રકાશ ઉર્ફે બાબુએ ફરી ગાડી ચાલુ કરી નરોડા તરફ હંકારી મૂકી હતી. ત્યારે પોલીસ કર્મી ગાડીમાં જ ફસાઈને લટકી પડ્યો હતો તે વખતે પણ બાબુએ કહ્યું કે સાલે મેરે કો પકડને આયેગા તો મારા જાયેગા.... આ વખતે પોલીસ કર્મચારી ગાડીમાં લટકી ગયો હતો ત્યારે બાબુ સાથે રહેલી સ્ત્રીને તે કહેતો હતો કે ગીતા સાલે કો માર. ગીતા નામની આ મહિલાએ ગાડી છોડાવી દેવા માટે થઈ પોલીસકર્મીના ખેંચી મુકાઓ માર્યા હતા. ફરી એક વખત આરોપી બાબુ ની ગાડી પોલીસે આંતરી લીધી હતી.
ત્યારે સત્ય પ્રકાશ ઉર્ફે બાબુ અને તેની સાથે રહેલી ગીતા નામની સ્ત્રી પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગી હતી. ત્યારબાદ ગાડીમાંથી બાબુના બે માણસો લાકડાના ધોકા સાથે ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને યોગેશ ઈન પોલીસ વાલો કો આજ છોડના નહીં સાલે મેરે કો પકડને નીકલે હૈ સાલે કો માર ડાલો તેવું કહી ધોકા મારવા લાગ્યા હતા. બાદમાં પોલીસે બળ પ્રયોગ કરી સત્ય પ્રકાશને ઝડપી લઇ તેની સાથે રહેલી સ્ત્રીને ઝડપી પાડી પોલીસે હત્યા ની કોશિશ તથા અન્ય કલમ હેઠળ ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે.