Home /News /ahmedabad /અમદાવાદમાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, આરોપીઓ ફર્જી વેબ સિરિઝની મોડસ ઓપરેન્ડી વાપરતા હતા

અમદાવાદમાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, આરોપીઓ ફર્જી વેબ સિરિઝની મોડસ ઓપરેન્ડી વાપરતા હતા

પોલીસે નકલી નોટો બનાવતા આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદમાં ફરી એક વખત નકલી નોટોનો કારોબાર ઝડપાયો છે. અમદાવાદ પોલીસે બે અલગ-અલગ કિસ્સામાં સાત આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત નકલી નોટોનો કારોબાર ઝડપાયો છે. ઘરમાં જ પ્રિન્ટિંગ મશિનથી નકલી નોટો છાપતા આરોપીઓની ઝોન 2 એલસીબીની ટીમે ધરપકડ કરી છે. જ્યારે સરદારનગર પોલીસે પણ હોટલમાં બેસીને પ્રિન્ટીંગ મશિનથી 500 અને 100ના દરની નકલી નોટો છાપતા આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને કેસમાં આરોપીઓ ફર્જી વેબ સિરીઝમાં બતાવેલી મોડ્સ ઓપરેન્ડીથી નકલી નોટો છાપવાનું નેટવર્ક શરૂ કર્યું હોવાની પોલીસને આશંકા છે.

નકલી નોટો બજારમાં ફરતી થાય તે પહેલાં જ ચાંદખેડા વિસ્તારમાંથી નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરાઈ છે. ઝોન-2 ડીસીપીની એલસીબીના પીએસઆઇ આઇ.ડી. પટેલની ટીમને માહિતી મળી હતી કે, ચાંદખેડા વિસ્તારમાંથી ઇકો ગાડીમાં શૈલેષ ક્રિશ્ચન નામનો શખ્સ ડુપ્લિકેટ નોટ લઈ પસાર થઈ રહ્યો છે. તેને આધારે ઇકો ગાડી પકડી તપાસ કરતા શૈલેષ ક્રિશ્ચન પાસેથી એક બેંગમાંથી 500 દરની 10 લાખની બનાવટી ચલણી નોટોના 20 બંડલ મળી આવ્યા હતા. આ મામલે આરોપી શૈલેષની પૂછપરછ કરતા જણાવ્યુ હતુ કે, મિત્ર પરાગ ઉર્ફે પકો વાણીયા તેમજ અન્ય બે મિત્રોની મદદથી દાસ્તાન સર્કલ પાસે આવેલું એક મકાન ભાડે રાખીને કલર પ્રિન્ટર મશિન મારફતે ડુપ્લિકેટ નોટ તૈયાર કરતા હતા. ચાર આરોપી પાસેથી 25 લાખ રૂપિયાની ડુપ્લિકેટ નોટ કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી હોવાનું ઝોન 2ના ઇન્ચાર્જ ડીસીપી સફિન હસને જણાવ્યું છે.

Ahmedabad Bogus currency printing factory busted accused using modus operandi farzi web series
પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી


ઝોન 2 એલસીબીએ પકડેલા પરાગ ઉર્ફે પકો વાણીયા, જગદીશકુમાર પટેલ, બ્રિગેશકુમાર પટેલ અને શૈલેષ ક્રિશ્ચનની પૂછપરછ કરતા સામે આવ્યુ હતુ કે, ચારેય ભેગા મળી છેલ્લા દોઢ મહિનાથી દાસ્તાન સર્કલ પાસે એક મકાન ભાડે રાખી ડુપ્લિકેટ ચલણી નોટો બનાવતા હતા. નકલી નોટોનું નેટવર્ક શરૂ કરવા માટે મુખ્ય આરોપી પરાગ ઉર્ફે પકો વાણીયાએ એક પ્લાન બનાવ્યો અને બે કલર પ્રિન્ટર મશિન, પેપર કટર સહિતના સામગ્રી વસાવી હતી. ત્યારબાદ પરાગે કોમ્પ્યુટર પર 500 અને 200ના દરની નોટ ડિઝાઇન તૈયાર કરી અને નકલી નોટો પ્રિન્ટ કરી હતી. આ ડુપ્લિકેટ નોટ 50 ટકાની કિંમતે બજારમાં વેચવાના ફિરાકમાં હતા, પરંતુ પોલીસને માહિતી મળતાં જ નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ થયો છે. હાલ પોલીસે પ્રિન્ટિંગ મશીન, કાગળ કટિંગ કરવાનું કટર, કોરા કાગળ, લેપટોપ, મોબાઇલ, ફોર વ્હિલર સહિત નકલી ચલણી નોટો મળી 25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા મુખ્ય આરોપી પરાગ વાણીયા વર્ષ 2021માં પણ એસ.ઓ.જીના હાથે નકલી નોટોના કેસમાં ઝડપાઇ ચૂક્યો છે. ત્યારે પકડાયેલા આરોપીમાં બ્રિગેશકુમાર પટેલ બેકાર છે, પણ ઇલેક્ટ્રિકલ બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે. આરોપીઓ નકલી નોટ બજારમાં મૂકી શોર્ટકટમાં પૈસા કમાવવા માગતા હતા. પરંતુ પોલીસે આરોપીને ઝડપી જેલહવાલે કરી દીધા.


હોટલમાં ચાલતું નકલી નોટો છાપવાનું કારખાનું


ફર્જી વેબ સિરીઝ જોઈને ટૂંક સમયમાં પૈસા કમાવવા નકલી નોટો છાપવાનું શરુ કરનારા આરોપીઓ સરદારનગર પોલીસના હાથે ઝડપાયા છે. આરોપીઓ હોટલમાં ભાડે રૂમ રાખી નકલી નોટો છાપતા હતા. હજી તો બે અલગ અલગ હોટલો પર રૂમ રાખી છાપકામ શરૂ કર્યું ને પોલીસે પકડી પાડયા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાંથી માવઠું ક્યારે જશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

શોર્ટકટમાં પૈસા કમાવવા લોકો અલગ અલગ કિમિયાઓ અપનાવતા હોય છે. આવી જ તાજેતરમાં રિલીઝ થયેલી ફર્જી વેબ સિરીઝ જેવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદની સરદારનગર વિસ્તારમાં આવેલી પાલવ હોટલમાં રૂમ રાખી યુવાનો નકલી નોટો છાપતા હતા. સરદારનગર પોલીસે માહિતીને આધારે યુવાનોને પકડી પાડ્યા અને હોટલના રૂમમાંથી નકલી નોટો, પ્રિન્ટર, નકલી નોટ છાપવાના કાગળો, ક્રેડિટ કાર્ડ, લાઇસન્સ મળી આવ્યા હતા. પોલીસે પાલવ હોટલના રૂમ નંબર 213માંથી સંજય માળી, જયદીપ સોલંકી અને ભરત ચાવડાની ધરપકડ કરી છે. નકલી નોટ છાપવાનો માસ્ટર માઈન્ડ ભરત ચાવડા છે. સંજય માળી સાથે મળીને નકલી નોટ બનાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ a4 સાઈઝના કાગળ લાવ્યા હતા.

સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ પી.વી. ગોહિલે જણાવ્યુ છે કે, ‘આ આરોપીઓ નકલી નોટ બનાવવા માટે હોટલમાં રૂમ બુક કરાવતા હતા. પાલવ હોટલમાં પણ રૂમ બુક કરાવ્યો હતો અને 500 તેમજ 100 રૂપિયાના દરની નોટોની કલર પ્રિન્ટ કાઢીને નકલી નોટો બનાવી હતી. આ અંગે સરદારનગર પોલીસને બાતમી મળી હતી અને તેમણે નકલી નોટો અને સામગ્રી સાથે ત્રણેય આરોપીને ઝડપી લીધા છે. આ નકલી નોટના નેટવર્કમાં ભરત ચાવડાએ નકલી નોટ બનાવવાની અને બજારમાં ફેરવવાની જવાબદારી લીધી હતી. જ્યારે સંજય માળીએ પ્રિન્ટર અને કાગળની સામગ્રીની જવાબદારી લીધી હતી. જ્યારે જયદીપ સોલંકી પણ ગાડીમાં જુદી જુદી હોટલમાં નકલી નોટની સામગ્રી ટ્રાન્સફર કરતો હતો. આરોપીઓએ ફર્જી વેબ સિરીઝ જોઈને 15 દિવસથી નકલી નોટો બનાવાની શરૂ કરી હોવાની શક્યતાને લઈને તપાસ શરૂ કરી હતી.’

નકલી નોટમાં પકડાયેલા આરોપી ભરત ચાવડા વિરુદ્ધ અગાઉ નિકોલમાં છેતરપિંડીના કૌભાંડને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી. ઓછા સમયમાં પૈસાદાર થવા માટે આરોપીએ નકલી નોટો છાપવાનું શરૂ કર્યું, પરંતુ તે પહેલાં જ પોલીસે ઝડપી લીધા છે. હાલમાં સરદારનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને નકલી નોટ ક્યાંય આપી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police