અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાં સાત ઝોનમાં સઘન ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે. હવે એએમસી દ્વારા રાત્રી દરમિયાન એસ્ટેટ વિભાગ અને ફલાઇંગ સ્કવોર્ડની ટીમ બનાવી ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે. જાહેર રસ્તા પર કચરો નાખનાર એકમ સામે દંડનાત્મક કાર્યવાહી અને એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાત્રે ફ્લાઇંગ સ્કવોર્ડે વોચ ગોઠવી હતી
શહેરની સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુસર સિલ્વર ટ્રોલી તેમજ ન્યુસન્સ સ્પોટ નાબુદ કરવામાં આવ્યા છે. એએમસી દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં આવે છે. એએમસી સોલિડ વેસ્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત રાત્રી ફ્લાઇંગ સ્કવોર્ડની રચના કરવામાં આવેલી હતી. જેમાં રાત્રી ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા વિરાટનગર વોર્ડમાં આવેલા બેનર એસ્ટેટની બહાર સોમા ટેક્ષટાઇલની સામેની ફૂટપાથ પર આસપાસના ઇન્ડસ્ટ્રીયલ એકમો દ્વારા જાહેરમાં કચરો ફેકી ગંદકી કરવામાં આવી હતી. ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા રાત્રીના 11 કલાકથી સ્કવોર્ડ દ્વારા વોચ ગોઠવામાં આવી હતી. તે અરસામાં જ એક્ટીવા વાહનચાલક દ્વારા જાહેર રસ્તા પર કચરો ફેકી ગંદકી કરતા ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા એક્ટીવા ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો. એએમસી દ્વારા જાહેર રસ્તા પર ગંદકી કરવા બદલ એક્ટિવા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અગાઉ પણ શાહીબાગ ખાતે એએમસી દ્વારા જાહેર રસ્તા પર કચરો નાખનાર એક્ટિવાચાલક સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એએમસી કમિશનર દ્વારા તમામ ઝોનમાં સૂચનાઓ અપાઇ છે કે, રાત્રી સફાઇ તેમજ રાત્રી દરમિયાન ફ્લાઇંગ સ્કવોર્ડ બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવશે. એએસમી દ્વારા સ્વચ્છતા અભિયાન અતંર્ગત શહેરમાં સ્વચ્છતા રેન્કીંગમાં નંબર પહેલો રહે તે માટે મથામણ કરવામાં આવી રહી છે.