અમદાવાદ: મહિલા સહકર્મીનો ફોન હેક (Mobile Hack) કરી બ્લેકમેઇલ કરતા આરોપીની સાયબર ક્રાઈમે (Ahmedabad Cyber Crime) ધરપકડ કરી છે. આરોપી મહિલાઓના ફોટા મેળવી બનાવટી આઈડીની મદદથી મહિલાઓને બ્લેકમેલ (Black Mail) કરી રૂપિયા પડાવતો હતો. સાઇબર ક્રાઇમે ખાનગી બેંકના રિલેશનશિપ મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઈમ ઝડપેલ આરોપીનું નામ મેહુલ કાનપરીયા છે. જે છેલ્લા ચાર મહિનાથી કોટક મહિન્દ્રા બેંકમાં રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરે છે. આરોપી મેહુલ બેંકમાં ઓનલાઇન બેંકિંગનું કામ કરતી મહિલાઓને શીખવવાના બહાને મહિલાના ફોનના ગુગલ ડ્રાઈવમાં પોતાનુ મેઈલ આડી સેવ કરી તેમના તમામ ફોટા મેળવી લેતો હતો. અને બાદમા તે ફોટા જે તે મહિલાને મોકલી તેની પાસે રૂપિયા પડાવતો હતો. જે અંગે સાયબર ક્રાઇમને ફરિયાદ મળતા તપાસ બાદ પુરાવા એકઠા કરી આરોપીની ધરપકડ કરવામા આવી છે.
ઝડપાયેલા આરોપી મેહુલ મહિલાના ફોનમાં પોતાનો મેલ આઇડી સેવ કર્યા બાદ જ્યાં સુધી મહિલાના અશ્લીલ ફોટા ન મળે ત્યાં સુધી રાહ જોતો હતો. અને બાદમાં ઇન્સ્ટાગ્રામ પર બનાવટી આઇડી બનાવી યુવતીના ફોટા તે જ યુવતીને મોકલી તેની પાસે રૂપિયા પડાવતો હતો. જો ભોગ બનનાર રૂપિયા ના આપે તો ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. જે અંગે કોટક બેંકની જ એક મહિલા કર્મચારીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આરોપી મેહુલ કાનપરિયાની ધરપકડ કરવામાં આવી છે.
બેંકના રિલેશનશિપ મેનેજરની ધરપકડ કરી પૂછપરછ કરતા તે માત્ર એટલું જણાવી રહ્યો છે કે, તેને રૂપિયાની જરૂરિયાત હતી માટે આ કૃત્ય કરતો હતો. જોકે સાઇબર ક્રાઇમે આરોપીની ઉલટ તપાસ ચાલુ કરી છે. અને મહિલાઓના ન્યૂડ ફોટા અન્ય કોઈને મોકલ્યા છે કે કેમ સાથે જ અન્ય કેટલીક મહિલાઓ ભોગ બની છે તે અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે સાઇબર ક્રાઇમની તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર