અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યમાં રહેતી એક વિદ્યાર્થિનીના પિતાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી કોલેજની બસ અને કલાસ નંબર લખી બીભત્સ લખાણ લખી વિદ્યાર્થિનીને માનસિક અને સામાજિક રીતે બદનામ કરી હતી. જેથી સમગ્ર બાબતે વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બીભત્સ લખાણ વાયરલ કર્યું
અમદાવાદ જિલ્લામાં રહેતા 40 વર્ષીય યુવક ધંધો કરી ગુજરાન ચલાવે છે. તેમની એક દીકરી એસજી હાઇવે ઉપર આવેલી એક ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરે છે. આ યુવકની દીકરી મોબાઈલ કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરતી નથી. તેમજ પોતાના નામની સોશિયલ મીડિયામાં કોઈ આઈડી વાપરતી નથી. પરંતુ કોઈ અજાણી વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવી ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેમાં અલગ-અલગ ઘણી છોકરીઓના નામ લખી બીભત્સ ભાષામાં મેસેજ લખી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પોસ્ટ મૂકી હતી. જે બાબત આ યુવકના ભત્રીજાના ધ્યાને આવી હતી. આરોપીએ આ યુવકની દીકરીના નામની પણ એક પોસ્ટ મૂકી બીભત્સ ભાષામાં મેસેજ લખ્યો હોવાનું યુવકના ભત્રીજાએ જણાવ્યું હતું. તેથી આઈડી ચેક કરતા આ પોસ્ટ જોવા મળી હતી.
બાદમાં આ પોસ્ટનો સ્ક્રીનશોટ લઈ તપાસ કરવા માટે દીકરીની કોલેજમાં તેના પિતા વહીવટી વિભાગને મળ્યા હતા, ત્યારે કોલેજ પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું હતું કે આવું ઇન્સ્ટાગ્રામ પેજ કોલેજ તરફથી બનાવવામાં આવ્યું નથી અને તે બાબતનું લખાણ પણ કોલેજના લેટરપેડ ઉપર લખી આપી ખાતરી આપવામાં આવી હતી. જેથી યુવકે આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જે બાબતને લઈને હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આરોપીએ પોતાની ઓળખ છુપાવી ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી વિદ્યાર્થિનીને માનસિક તેમજ સામાજિક રીતે બદનામ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર શખ્સે વિદ્યાર્થિનીના નામ સાથે તેના કોલેજના બસ નંબર તેમજ ક્લાસ નંબર સાથે બીભત્સ મેસેજ લખ્યો હોવાનું સામે આવતા ગ્રામ્ય સાયબર પોલીસે સમગ્ર બાબતને લઈને તપાસ શરૂ કરી છે.