અરણેજઃ ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ગુજરાતના તમામ મંદિરોમાં રંગેચંગે માતાજીના દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં એક એવું રહસ્યમય મંદિર આવેલું છે. જ્યાંથી પસાર થતી દરેક ટ્રેન ઉભી રહે છે અને માતાજીને યાદ કરીને સલામી ભરે છે. આવો જાણીએ સમગ્ર ગાથા...
અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ 11 (અગિયાર) તાલુકાઓમાંના એક એવા ધોળકા તાલુકામાં આવેલું એક ગામ અરણેજ છે. અહીંના રેલવે સ્ટેશને કોઈપણ સમયે કોઈપણ ટ્રેન પસાર થાય ત્યારે ટ્રેનનો લોકોપાયલોટ હોર્ન મારે છે અને સલામી ભરે છે. પછી ત્યાંથી આગળ વધે છે. કેટલાક લોકોનું તો એવું પણ કહેવું છે કે, ‘ભારતીય રેલવે વિભાગે આ રુટની તમામ ટ્રેનમાં નોટિફિકેશન આપી છે કે, જ્યારે પણ અહીંથી ટ્રેન પસાર થાય ત્યારે હોર્ન ચોક્કસથી મારવો અને સલામી ભરીને હાજરી આપવી.’ આ વાત પરથી જ ખબર પડે છે કે, આ મંદિર ચમત્કારિક છે અને દેશનો રેલવે વિભાગ પણ તેમાં માને છે.
અરણેજમાં છેલ્લા 500 વર્ષથી બુટભવાની માતાજીના નામે શક્તિની પૂજા કરવામાં આવે છે. રેલવે સ્ટેશનથી બુટભવાની મંદિર થોડા જ અંતરે આવેલું છે. બુટભવાની માતાના ચમત્કારિક મંદિરનો ઇતિહાસ અંગે જણાવતા સ્થાનિક વ્યક્તિએ કહ્યુ હતુ કે, ‘અંગ્રેજોના સમયમાં ભાવનગરથી બોટાદ અને ધંધુકા થઈ અમદાવાદ જવા માટે રેલવેલાઇનનું કામ ચાલતું હતું. ત્યારે લોથલ, ભુરખી અને હડાળા ભાલ વચ્ચે આવેલા અરણેજ ગામ પાસે ઇજનેરો અને રેલમજૂરોને વિવિધ વિચિત્ર અનુભવો થયા હતા. અંગ્રેજ ઇજનેરો આ વાત સમજી શકતા નહોતા. રેલલાઇન નંખાઈ ગઈ અને જ્યારે ગાડીનો ટ્રાયલ લેવાનો સમય આવ્યો ત્યારે ડબ્બાઓ પાટા પરથી ઉતરી જતા હતા. આવું વારંવાર બન્યું એટલે લોકો અને ઇજનેરોને લાગ્યું કે, આ જમીન કોઈ પવિત્ર મહાત્મય ધરાવે છે.’
તેમણે વધુમાં જણાવતા કહ્યુ હતુ કે, ‘બ્રાહ્મણો પાસે જમીનનો ઈતિહાસ કઢાવ્યો અને જાણવા મળ્યું કે આ જગ્યાએ બુટભવાની માતાજીનો વાસ છે. અંગ્રેજો સમસ્ત ઘટનાક્રમ અને સ્થાનની પવિત્રતા સમજી ગયા અને રેલ લાઈન શરૂ કરતા પહેલાં અરણેજ બુટભવાની માતાજીને સવા રૂપિયો, નાળિયેર અને ચૂંદડી ધરાવ્યા અને વર્ષાસન બાંધી આપ્યું. માતાજીને આ પ્રસાદ ધરાવ્યા પછી રેલ લાઈનમાં કોઈ રૂકાવટ આવી નહોતી અને માતાજીના આ સ્થાનકનું મહત્વ વધી ગયું હતું. અરણેજ ગામના સીમાડેથી ટ્રેન પસાર થાય ત્યારે વ્હીસલ વગાડીને સલામ કરીને જાય છે. બુટભવાની માતાજી અનેક જ્ઞાતિઓ જેવી કે સોની, દરજી, બ્રાહ્મણ, વાણિયા, કારડિયા રાજપૂત, પટેલ, પંચાલ, સુથાર અને વાળંદ વગેરે 64 જ્ઞાતિના કુળદેવી છે.’
આ અંગે મંદિરના ટ્રસ્ટી બટુકભાઈ વાળાએ જણાવ્યુ હતુ કે, ‘આજે પણ જ્યારે પણ અહીંથી ટ્રેન પસાર થાય છે ત્યારે કોઈ પેસેન્જર હોય કે ના હોય અહીંથી લોકોપાયલોટને સલામી આપવાની સૂચના લખવામાં આવી છે જેથી આગળનો સફર સુખમય રહે.’
બુટભવાની મંદિરનો ઇતિહાસ
એવી માન્યતા છે કે, માતા બુટભવાનીનું અહીં પ્રાગટ્ય થયું હતું. જ્યાં અંગ્રેજો પણ નમન કરતા હતા. ચૈત્રસુદ પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ અહીં રંગેચંગે મનાવાય છે. તો દર પૂનમે મોટી સંખ્યામાં માઈભક્તો અહીં દર્શન માટે આવે છે. 11 એકરમાં ફેલાયેલા આ મંદિર સાથે માઈભક્તોની અતૂટ આસ્થા રહેલી છે. મોટી સંખ્યામાં મા બુટભવાનીના દર્શન માટે આજે ભક્તો અહીં આવે છે. બુટભવાની માતામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકો ધંધો-વ્યવસાય માતાજીના નામ સાથે કરતા હોય છે. આ તેમની આસ્થાનું પ્રતિક છે. અરણેજમાં આવેલાં બુટભવાની મંદિરમાં કણેકણમાં માતાજીનો વાસ હોવાનો અનુભવ થાય છે. માતાજીની જે મૂર્તિ આજે મંદિરમાં જોવા મળે છે તેની બાજુમાં એક નાનકડી મૂર્તિ પણ છે. એ માત્ર માતાજીનું મુખડું છે. જેને મુગટ પહેરાવી સિંહાસન આપવામાં આવ્યું છે. આ જ મૂર્તિ 500 વર્ષ પહેલાં ગામનાં બે રાજપૂત સમાજનાં ભાઈઓને મળી આવી હતી. વૈષ્ણવ સંપ્રદાય મુજબ મંદિર બંધ થાય ત્યારે અહીં મંદિર બહાર માતાજીની તસવીર મૂકવામાં આવે છે. જેથી કોઈપણ ભક્ત માતાજીના દર્શન કર્યા વગર પાછું ન ફરે આ અલૌકિક વાત સાથે અમે જ્યારે મંદિર પ્રાંગણમાં એક વૃક્ષ જોયું ત્યારે જાણવા મળ્યું કે, આખાય ભારતમાં માત્ર બે જ જગ્યાએ વૃક્ષની હયાતી છે. જેમાંની એક જગ્યા નાસિકમાં આવેલી છે, જ્યારે બીજી જગ્યા ગુજરાતના ધોળકામાં આવેલી છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ કલ્પાન્તિત વૃક્ષ વિશે અને મંદિરમાં હાથમાં ઝોલા લઈને આવતાં દાતાઓ વિશે જાણતું હશે પરંતુ આ જ સત્ય છે. જ્યાં દરેક વ્યક્તિને સમાનતા મળે છે.
શું છે વ્યવસ્થા?
ચૈત્ર સુદ તેરસ માતાજીના જન્મદિન તરીકે ઊજવાય છે. આ મંદિર સુધી આવવા માટે અમદાવાદ તથા બાવળા, ધંધુકાથી એસટી બસોની અગવડ છે. તેમજ અમદાવાદથી બોટાદ જતી તમામ લોકલ ટ્રેનોને અરણેજ રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. અમદાવાદથી અરણેજ આવવા માટે વાયા બાવળા, બગોદરા, અરણેજ હાઈવે સુધીના સિત્તેર કિલોમીટર થાય છે. બુટભવાની મંદિરમાં બિરાજમાન માતાજીએ અનેક લોકોને હાજરાહજૂર હોવાના પરચા અને પુરાવા આપ્યા છે. પહેલો કિસ્સો અંગ્રેજોનો, તેમણે માતાજીને નમન કરીને તેમની હાજરી સ્વીકારી હતી. બીજો કિસ્સો આજના પશ્વિમ રેલવે વિભાગનો જેનો પાયલોટ આજે પણ શીશ ઝુકાવી સલામી ભરે અને ત્રીજો કિસ્સો અહીં આવતાં અનેક શ્રદ્ધાળુઓનો, જે કોઈપણ કામ લઈને આવે અને માતાજી તેમનાં કામ પૂર્ણ કરે છે. આ મંદિર પહેલેથી આવું નહોતું આ મંદિર સુવર્ણમય બનાવવા માટે અનેક લોકો દાન આપ્યું અને ત્યારબાદ મંદિરને સૂર્વણજડિત બનાવવામાં આવ્યું આજે પણ દૂરદૂરથી લોકો અહીં આવે છે.
કેટલાં લોકોને માતાજીના સાક્ષાત્કારનો અનુભવ થયો છે?
મુંબઈના જયશ્રી શાહ જ્યારે પરિવાર સાથે રતનપોળમાં શોપિંગ કરવા ગયા ત્યારે અચાનક તેમનાં પરિવારનો દીકરો ખોવાઈ ગયો. તેમણે માતાજીની માનતા માની અને 5 કલાકમાં જયશ્રીબેનનો 7 વર્ષનો દીકરો રતનપોળમાંથી જ આંખની સામે મળી આવ્યો. આવાં અનેક કિસ્સાને કારણે જયશ્રીબેને માતાજીની હાજરી હોવાની વાતને સ્વીકારી છે. વિભૂતિ શાહના કહેવા પ્રમાણે પૂર્વજો અને વડીલો કહેતા કે, ખાલી યાદ કરો તો માતાજી તમારા તમામ કામ પૂર્ણ કરે છે. ઘણાં પરિવોરમાં વડીલો અને પૂર્વજોના સમયથી એવી કિવંદતીઓ છે કે માત્ર માતાજીનું નામ લો તો કામ પૂર્ણ થઈ જાય છે. આવો જ અનુભવ અનેક શ્રદ્ધાળુઓને થયા છે. માતાજીને અનેક પરિવારનો હાજરાહજુર દર્શન આપ્યા છે. એમાંનો એક પટેલ પરિવાર પણ સામેલ છે.
પટેલ પરિવારે આ વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે, અમે 10 વખત ચાલતા સંઘ લઈ આવ્યા છીએ. માતાજીનો દિવો માનીએ એટલે બધું જ કામ પૂર્ણ થયું છે. મારા બેન નાના હતા ત્યારે પગનું કડું ખોવાઈ ગયું હતું. માતાજીને 6 મહિના બાદ યાદ કર્યા તો 6 મહિનામાં કડું મળી ગયું હતું. આ માટે શ્રીફળની માનતા રાખી હતી. ચૈત્રસુદ પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ અહીં રંગેચંગે મનાવાય છે. તો દર પૂનમે મોટી સંખ્યામાં માય ભક્તો અહીં દર્શન માટે આવે છે. 11 એકરમાં ફેલાયેલા આ મંદિર સાથે માઈ ભક્તોની અતૂટ આસ્થા રહેલી છે. મોટી સંખ્યામાં મા બુટભવાનીના દર્શન માટે આજે ભક્તો અહીં આવે છે. અને નવલી નવરાત્રી ચાલી રહી છે. મા નવદુર્ગાની ઉપાસના કરવામાં આવી રહી છે.