અમદાવાદ: હજુ તાજેતર માં બાપુનગર માં 20 લાખની લૂંટ થઈ હતી. જે કેસમાં ઘણા સમય બાદ આરોપીઓ તો ઝડપાયા પણ ત્યાં હવે બીજો એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. ટ્રાફિકની અવર જવર વાળા આઈ.આઈ.એમ રોડ પર લોકોની અવર જવર વચ્ચે જ બે લોકો વેપારીના 10 લાખ લઈ ફરાર થઇ ગયા હતા.
આરોપીઓએ અકસ્માતનો ડોળ કરી તકરાર કરી આંગડિયા પેઢીમાંથી 10 લાખ લઈને નીકળેલા વેપારી ના રૂપિયા લૂંટી ફરાર થઇ જતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ રાણીપમાં રહેતા દિનેશકુમાર ચૌહાણ પ્લાસ્ટર ઓફ પેરિસનું કામ કરવાનો વેપાર કરે છે. તેઓએ આણંદ માં એક ઘરે કામ કર્યું હતું જેઓની પાસેથી પૈસા લેવાના હોવાથી તેઓ સીજીરોડ ઉપર આંગડિયા પેઢીમાંથી દસ લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા.
પોતાની ગાડી લઈને તેઓ ટિફિનની બેગમાં આ પૈસા મૂકી ગાડી લઈને નીકળ્યા હતા. તેઓ સીજી રોડથી સમર્પણ સર્કલથી ગુલબાઈ ટેકરા થઈ પાંજરાપોળ ચાર રસ્તા થી આઈ આઈ એમ રોડ તરફ જતા હતા તે દરમિયાન મહિલા પોલીસ સ્ટેશનથી આગળ બે લોકો બાઈક લઈને આવ્યા હતા.
જેમાં એક વ્યક્તિએ ગાડી ઉભી રખાવી તે એકસીડન્ટ કર્યો છે તેમ કહી તકરાર કરવા લાગ્યો હતો. જેથી દિનેશકુમાર ગાડીમાંથી બહાર આવ્યા અને ગાડીને લોક મારી દીધું હતું. ત્યારબાદ બંને લોકો તેમની સાથે તકરાર કરતાં હતા. ત્યારે બીજા શખ્શે ગાડીનો કાચ તોડી પૈસા ભરેલી ટિફિનની બેગ લઈને બંને શખ્શો અંધજન મંડળ તરફ ભાગી ગયા હતા.
10 લાખની લૂંટ કરી ફરાર થઇ જતા વેપારીએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી રોડ પરના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ શરૂ કર્યા છે.