Home /News /ahmedabad /પતિનો મોબાઇલ ચેક કરતા જ પત્નીને લાગ્યો ઝટકો, અનેક સ્ત્રીઓ સાથેના આડા સંબંધોના ખુલી ગયા રાઝ
પતિનો મોબાઇલ ચેક કરતા જ પત્નીને લાગ્યો ઝટકો, અનેક સ્ત્રીઓ સાથેના આડા સંબંધોના ખુલી ગયા રાઝ
વર્ષ 2021 માં યુવતીએ તેના પતિનો મોબાઇલ ફોન જોયો તો તેમાંથી અલગ-અલગ સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાના પુરાવા તેને મળ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)
યુવતીનો પતિ રોજ ઘરેથી નીકળી આ ફાર્મ હાઉસમાં જતો હતો અને રોજ મોડી રાત્રે ઘરે પરત આવતો હતો. યુવતી ઘરે મોડા આવવા માટે પૂછતી ત્યારે તેનો પતિ પશુપાલનના કામમાં રોકાયો હોવાથી ઘરે આવવામાં મોડું થાય છે તેમ કહેતો હતો.
અમદાવાદ: શહેર (Ahmedabad) માં રહેતી એક પરિણીતાએ તેના સાસુ, સસરા, પતિ અને નણંદ સામે ફરિયાદ (FIR) નોંધાવી છે. આ પરિણીતાનો આક્ષેપ છે કે લગ્ન બાદ તેનો પતિ અને સસરા તેને લગ્ન માટે તેના પિતાને અપાવેલી 20 લાખની લોનના પૈસા લઈ આવવાનું કહી ત્રાસ આપતા હતા. આટલું જ નહીં યુવતીના પિતાએ જે જમીન લીધી તેમાં તેના પતિએ ફાર્મ હાઉસ બનાવી પશુપાલનનો ધંધો શરૂ કર્યો હતો. પરંતુ તેના હિસાબ બાબતે પત્નીને કોઈ વાત જણાવતો ન હતો. એક દિવસ યુવતીએ તેના પતિનો ફોન તપાસ્યો ત્યારે અનેક સ્ત્રીઓ સાથે આડા સંબંધ હોવાના પુરાવા તેને મળ્યા હતા. જેથી કંટાળીને યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના નાના ચિલોડા પાસે આવેલા એક ફ્લેટમાં રહેતી 26 વર્ષીય યુવતીએ વર્ષ 2016 માં વડોદરા ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન કર્યા હતા. આ યુવતીના પતિ પશુપાલનનો ધંધો કરતા હતા. વર્ષ 2016 માં લગ્ન થયા ત્યાર બાદ દોઢ મહિના પછી આ યુવતી તેના પતિના ઘરે હાજર હતી. તે દરમિયાન તેના પતિ અને સસરા કહેવા લાગ્યા હતા કે, તારા લગ્ન માટે તારા પિતાજીને 20 લાખ રૂપિયાની લોન લઈ આપી છે. જે 20 લાખ રૂપિયા તું તારા પિતા પાસેથી પરત લાવી આપ. જેથી યુવતીએ પિતાજી પાસેથી હું કઈ રીતે પૈસા લાવી આપુ તેમ કહેતા પતિ અને સસરા જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા અને યુવતીના પતિએ તેને બીભત્સ શબ્દો બોલી માર માર્યો હતો.
વર્ષ 2017 માં યુવતીના પિતાએ તેમની કંપની વેચી નાખી હતી અને તેના પૈસામાંથી પંચમહાલ ખાતે જમીન ખરીદી હતી. જે જમીનમાં યુવતીના પતિએ ફાર્મ હાઉસ બનાવી પશુપાલનનો ધંધો શરૂ કર્યો હતો. યુવતીનો પતિ રોજ ઘરેથી નીકળી આ ફાર્મ હાઉસમાં જતો હતો અને રોજ મોડી રાત્રે ઘરે પરત આવતો હતો. યુવતી ઘરે મોડા આવવા માટે પૂછતી ત્યારે તેનો પતિ પશુપાલનના કામમાં રોકાયો હોવાથી ઘરે આવવામાં મોડું થાય છે તેમ કહેતો હતો. યુવતી તેના પતિને પશુપાલનના બદલામાં આવતી આવક બાબતે પૂછતા પતિ તેને ગાળો આપી શારીરિક ત્રાસ આપવા લાગ્યો હતો અને સાસુ તથા નણંદ પણ હિસાબ માગવા બાબતે યુવતીને ઠપકો આપતા હતા.
વર્ષ 2021 માં યુવતીએ તેના પતિનો મોબાઇલ ફોન જોયો તો તેમાંથી અલગ-અલગ સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાના પુરાવા તેને મળ્યા હતા. જે બાબતે યુવતીએ તેના પતિને પૂછતા તેને માર માર્યો હતો અને આ બાબતે કોઈને જણાવશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આમ યુવતીના સાસુ, સસરા, પતિ અને નણંદ સહિતના લોકોએ માનસિક શારીરિક ત્રાસ આપતા યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો તપાસ શરૂ કરી છે.