અમદાવાદ: કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો સાતીર હોય પણ પોલીસ તેને શોધી જ કાઢે છે. 49 વર્ષે હત્યાનો આરોપી પકડાય તે જરા માનવામાં આવતું નથી. કારણ કે એક એવો આરોપી અમદાવાદ પોલીસે પકડ્યો જે જાણી ખુદ ઉચ્ચ અધિકારીઓ ચોંકી ગયા હતા. પોલીસની આ વાત સાથે પાપ છાપરે ચઢીને પોકારે જ તેવું જ બન્યું આ આરોપી સાથે. વર્ષ 1973માં 26 વર્ષની ઉંમરે હત્યા કરનાર આરોપી આખરે 49 વર્ષે ઝડપાયો છે. યુવાનીમાં હત્યા કરનાર આરોપી વૃદ્ધ તો થઈ ગયો પણ આખરે પોલીસથી ન બચી શક્યો અને કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટના અમદાવાદ શહેરમાં બની છે.
ઢુંઢને પર તો ભગવાન ભી મિલ જાતે હે તો એક આરોપી કોઈ બડી બાત નહીં, આ કહેવત બંધ બેસે છે અમદાવાદ પોલીસના એક કામ પર. અમદાવાદ પોલીસે 1973માં એક મહિલાની હત્યા મામલે એક આરોપીની ધરપકડ કરી છે. તસવીરમાં દેખાતો આ આરોપી સીતારામ તાતીયા ભતાને છે, જે મૂળ મહારાષ્ટ્રનો છે. આરોપીએ 26 વર્ષની ઉંમરે એક મહિલાની ચોરીના ઇરાદે હત્યા કરી હતી. જે ગુનામાં તે નાસતો ફરતો હતો પણ પોલીસની ચૂંટણીલક્ષી દ્રાઈવમાં તે 49 વર્ષે ઝડપાઇ જ ગયો....
માત્ર એક નામના આધારે પોલીસે 50 વર્ષે આરોપીને ઝડપી પાડ્યો
ઝોન 4ના ડીસીપી ડો. કાનન દેસાઈ અને સરદારનગર પીઆઇ પી. વી. ગોહિલે જણાવ્યું કે, આરોપી મૂળ મહારાષ્ટ્રનો છે. તે 26 વર્ષની ઉંમરે અમદાવાદમાં હતો. જ્યાં તે સરદારનગરમાં એક મહિલાના મકાનમાં ભાડે પહેલા માળે રહેતો હતો. તેની સાથે અન્ય બે લોકો પણ રહેતા હતા. આરોપી મૂળ ચોરીની ટેવ ધરાવતો હોવાથી તેણે મકાનમાલિકના ઘરમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને ત્યારે જ મહિલાએ ચોરી કરવા આવેલા સીતારામનો પ્રતિકાર કરતા તેણે મહિલા સાથે ઝપાઝપી કરી હતી. જેમાં મહિલા નીચે પટકાતા તેનું મૃત્યુ થયું હતું. બાદમાં આરોપી ફરાર થઇ ગયો હતો. જે તે સમયે પોલીસ જ ફરિયાદી બની બંધ ઘરમાં મળેલી લાશ મામલે હત્યાની તપાસ કરી રહી હતી, પણ તે સમયે આરોપી ન મળતા અનેક વર્ષો સુધી તપાસ ચાલી હતી. આખરે આરોપીનું 70 મુજબનું વોરન્ટ પણ નીકળ્યું હતું, પણ આરોપી મળ્યો નહોતો. આખરે પોલીસને મહારાષ્ટ્ર પોલીસનો સહયોગ મળ્યો અને ફોટો કે અન્ય માહિતી ન હોવા છતાંય માત્ર એક નામના આધારે પોલીસે 50 વર્ષે આરોપીને ઝડપી પાડ્યો છે.
તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીના પરિવારમાં કોઈ નથી, તે અપરિણીત છે અને તેણે અગાઉ ચોરી અને દુષ્કર્મ અને તેના ભાઈના દીકરાના દાગીના પણ ચોરી કરવા જેવા ગુના આચર્યા છે. આ બાબતે ગુનાઓ નોંધાયા છે કે કેમ, તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. કહેવાય છે ને કે ગુનેગાર ગુનો કરતા તો કરી નાખે છે પરંતુ આરોપીને હંમેશા એવું હોય છે કે તે ક્યારેય નહીં પકડાય, પણ દરેક ગુનેગારનું એક પગેરું હંમેશા તેની પાછળ પડછાયાની જેમ જ રહેતું હોય છે. એ જ રીતે સીતારામની પાછળ પણ એક પડછાયો હંમેશા ફરતો હતો અને તે પડછાયાની છાપને સરદારનગર પોલીસે ઓળખી કાઢ્યો અને યુવાનીમાં કરેલા હત્યા જેવા ગુનાની સજા વૃદ્ધાવસ્થામાં ભોગવવાનો વારો સરદારનગર પોલીસે લાવી દીધો છે.
શું હતો સમગ્ર હત્યાનો મામલો?
પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 1973માં સપ્ટેમ્બર મહિનાની આ વાત હતી. 49 વર્ષ પહેલાં અમદાવાદની પણ સિકલ અને સકલ કંઈક અલગ હતી. અમદાવાદના સૈજપુર વિસ્તારમાં રહેતા 70 વર્ષીય મણીબેન શુક્લાના મકાનનો ઉપરનો માળ તેમણે ત્રણ યુવકોને ભાડે આપ્યો હતો. આ યુવકોમાં મહાદેવ, નારાયણ અને સીતારામ તાતીયાનો સમાવેશ થતો હતો. આ ત્રણેય યુવકો નાનું મોટું કામ કરીને જીવન જીવતા હતા. જેમાં સીતારામ ચોરી કરવાની આદતવાળો હતો. 14 સપ્ટેમ્બર 1973ના દિવસે સીતારામ અન્ય દિવસોની જેમ કામકાજ કરવાનો પ્રયાસ કરતો હતો, પણ કોઈ કામ ન મળતા હવે તેને ચોરી કરવાનું નક્કી કર્યું તે દિવસે તે બપોરના પોણા ત્રણ વાગે મણીબેનના ઘરમાં ઘૂસ્યો અને ઘરમાંથી વાસણો અને કપડાં છોડવાનો પ્રયાસ કરતો હતો. મણીબેન જાગી ગયા એટલે સીતારામએ તેમના પર હુમલો કર્યો અને તે સમયે તે બેભાન થઈ ગયા હતા અને નીચે પડી ગયા હતા. સીતારામ ઘરમાંથી વસ્તુઓ ચોરી અને ભાગી ગયો હતો. બીજા દિવસથી આ ઘરમાં કોઈ હલચલ દેખાતી ન હતી. બે દિવસ બાદ આસપાસના લોકોએ ઘરમાંથી દુર્ગંધ મારતી હોવાની ફરિયા કરતા સ્થાનિક પોલીસ મણીબેનના ઘરમાં પહોંચી હતી. જ્યાં મણીબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘરમાં રહેતા લોકો મળી આવ્યા ન હતા પણ છેલ્લે સીતારામ ઘરમાંથી બહાર નીકળ્યો હોવાની વિગતો જાણવા મળી હતી. જે સંદર્ભે પોલીસે તે સમયે ચોરી અને હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી આ ફરિયાદ નોંધાયાને આજે 49 વર્ષ પૂરા થયા છે.
કેવી રીતે મળ્યો વૃદ્ધ હત્યારો?
આટલા વર્ષ સુધી પણ આ ગુનાની કોઇ કડી મળી ન હતી. આ સમયે ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી આવી એટલે વોન્ટેડ આરોપીઓને તેના વતન હોય કે અન્ય કોઈ શંકાસ્પદ જગ્યા ત્યાં શોધવા અને સ્થાનિક પોલીસની મદદ લેવા માટે પ્રયાસ કરી વોન્ટેડ આરોપીઓને શોધવાની ડ્રાઇવ યોજવામાં આવી. જેથી સરદારનગર પોલીસે સીતારામના વતન મહારાષ્ટ્રમાં તપાસ કરી તો તેમને જાણવા મળ્યુ કે, સીતારામ મહારાષ્ટ્રમાં એક જગ્યાએ છુપાયેલો છે અને તે હાલ 70 વર્ષ ઉપરની ઉંમર ધરાવે છે. જેથી અમદાવાદ પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ ભેગી થઈને સીતારામને શોધવા પહોંચી પહેલા તેઓ સીતારામના કાકાના ઘરે પહોંચ્યા ત્યારે ખબર પડી કે સીતારામ એ ત્યાં પણ અનેક કાંડ કર્યા હતા.
પોલીસને મહારાષ્ટ્રમાંથી જાણવા મળ્યું કે, સીતારામ ગામમાં એક મહિલા પર દુષ્કર્મ કર્યું હતું પણ વિધવા મહિલાએ પોતાની આબરૂ બચાવવા આ અંગે ફરિયાદ કરી ન હતી એટલે સીતારામ ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ તેણે તેના કાકાના દીકરાના કાનની બુટ્ટીઓ કાઢીને ચોરી કરી ભાગી ગયો હતો. આ બધાની સાથે તેણે બીજી જગ્યાએ નાની મોટી વાસણ અને અલગ-અલગ ચોરીઓ કરીને અત્યાર સુધી પોતાનો ગુજરાન ચલાવતો હતો. આ સમગ્ર બનાવો અંગે ફરિયાદો નોંધાઇ છે કે કેમ તે બાબતને લઇને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.