અમદાવાદ: સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પરિણીતાને મોબાઈલ નંબર ઉપરથી પરેશાન કરવામાં આવી રહ્યા હતા. મહિલા પોતાનું ઘરકામ કરી પોતાના મોબાઈલ ઉપર સર્ફીંગ કરી રહ્યા હતા ત્યારે મોબાઇલ નંબર ઉપરથી વોટ્સએપ ક્રિએટ કરીને મહિલાના મોબાઈલ નંબર ઉપર અશ્લીલ વીડિયો અને ફોટા મોકલવામાં આવ્યા હતા.
મહિલાના પતિ જ્યારે ઘરે ના હોય ત્યારે તેમના મોબાઈલ નંબર ઉપર ગંદી કોમેન્ટ્સ કરી કાલુપુર હોટલમાં મળવા માટે બોલાવતો હતો. મહિલાએ આરોપીનો મોબાઇલ નંબર બ્લેક લિસ્ટ કરી દેતાં આરોપીએ અન્ય નંબરથી કોલિંગ શરૂ કર્યું હતું અને મહિલાના નંબર ઉપર નગ્ન વીડિયો અને મેસેજ કરીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. મહત્વની વાત છે કે, આરોપી ક્યારે મહિલા તો ક્યારે પુરુષ તો અમુક વાર નાના બાળકોનો આવાજ કાઢીને વાત કરતો હતો. આરોપીએ ફરિયાદીના ડીપીના ફોટો લઈને તેને એડિટ કરીને ગંદા ફોટો મૂકવાના શરૂ કરી દીધા હતા.
પોલીસ દ્વારા મહિલાની ફરિયાદ લઈને તપાસ શરૂ કરવામાં આવી અને આરોપીની ધરપકડ કરી લેવામા આવી છે. આરોપી અજય હોવાનું સામે આવ્યું છે અને જે શાહપુરનો રેહવાસી છે. મળતી માહિતી પ્રમાણે, આરોપી અને ફરિયાદી એક જ સમાજના હોવાથી એકબીજા ને સારી રીતે ઓળખતા હતા. આરોપીને કાલુપુરમાંથી એક મોબાઇલ મળ્યો હતો. તેણે મોબાઇલમાંથી સીમકાર્ડ કાઢીને મોબાઇલને કચરાપેટીમાં ફેંકી દીધો હતો. તે નંબર પરથી વોટ્સએપનો ઉપયોગ કરીને ફરિયાદીના નંબર ઉપર પોર્ન વીડિયો મોકલતો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, આરોપી ફરિયાદીને સમાજમાં બદનામ કરવા માટે પર્સનલ ફોટો સાથે બિભત્સ ફોટો અને સ્ટોરીઓ મોકલતો હતો. આરોપીએ ફરિયાદી સાથે ફ્લર્ટ કરવાના હેતુથી આ ગુનાને કર્યા હોવાની કબૂલાત કરી છે. મહત્વની વાત છે કે આરોપી માત્ર 10 સુધી અભ્યાસ કરેલ હોવાનું સામે આવ્યું છે.