અમદાવાદઃ શહેરમાં રહેતી 24 વર્ષીય યુવતીએ તેના પતિ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીના લગ્નના ચાર દિવસ પછી જ પતિએ સાસરે જવામાં શરમ આવે છે, કેમ કે તારા પિતાનું ઘર નાનું છે, તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. બાદમાં એક લગ્ન પ્રસંગમાં યુવતીના માતા-પિતા મળી જતા તેનો પતિ તેને તે લોકો સાથે મૂકીને જતો રહ્યો હતો. યુવતી માતા-પિતાના ઘરે જવાનું કહે તો તેને પિયરમાં કોઇ સાથે સેટિંગ છે, તેમ કહી ત્રાસ આપતો હતો. આમ, અવારનવાર પોતાના ઘરે ન લઇ જઇ પતિએ ત્રાસ આપતા યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
'તારે પિયરમાં કોઇ સાથે સેટિંગ છે એટલે ત્યાં જવાની વાત કરે છે'
શાહપુર વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી બે માસથી તેના માતા-પિતા સાથે પિયરમાં રહે છે. તેના લગ્ન વર્ષ 2020માં સરખેજના એક યુવક સાથે થયા હતા. લગ્નના ચાર દિવસ પછી જ યુવતીના પતિએ તેને કહ્યું કે, તારા પિતાનું ઘર નાનું છે, મને ત્યાં આવવામાં શરમ આવે છે, કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. નણંદ પણ દર અઠવાડિયે પિયર આવી કાનભંભેરણી કરતા યુવતીના પતિ સાથે તેને ઝઘડા થતા હતા. યુવતીનો પતિ વધુ હેરાન કરવા ઘરખર્ચ માટે યુવતીને માત્ર 200 રૂપિયા જ આપતો હતો, જો તે વધારે માંગે તો તેનો પતિ તેને માર મારતો હતો. જ્યારે યુવતી માતા-પિતા પાસે જવાનું કહે તો તેનો પતિ તારે પિયરમાં કોઇ સાથે સેટિંગ છે એટલે ત્યાં જવાની વાત કરે છે, કહીને શંકા કરતો હતો. થોડા દિવસો પહેલા યુવતી તેની બહેનપણીના લગ્નમાં પતિ સાથે ગઇ હતી. ત્યાં તેના માતા-પિતા પણ આવતા તેનો પતિ મૂકીને જતો રહ્યો હતો. યુવતીની માતાએ જમાઇને જમીને જવાનું કહેતા તે આવેશમાં આવી ગયો અને તમારી દીકરીને બીજા કોઇ સાથે સેટિંગ છે એટલે તમારી સાથે જ લઇ જજો, તેમ કહી ત્યાંથી જતો રહ્યો હતો.
બાદમાં યુવતીએ તેના પતિને લઇ જવાનું કહેતા તેણે તારી જરૂરત નથી, જ્યાં જવું હોય ત્યાં જા મારા, ઘરે આવતી નહીં, તેમ કહી ફોન પણ કાપી નાખ્યો હતો. થોડા દિવસ બાદ યુવતીને તેના માતા-પિતા મૂકવા ગયા ત્યારે પતિ અને નણંદે તેના વાળ પકડી ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી પણ પતિએ હવે આવો ત્રાસ નહીં આપે, તેવી બાંયધરી આપતા યુવતીએ ફરિયાદ કરી નહોતી. બાદમાં પતિને ફોન કરીને લઇ જવા કહેતા તે તેડી ન જતા આખરે યુવતીએ પતિ અને નણંદ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.