અમદાવાદ: મેટ્રો સીટી અમદાવાદમાં ઘણા લોકો પોતાનું નસીબ અજમાવવા માટે દેશ-વિદેશથી આવતા હોય છે. કેટલાક લોકોને સપના સાકાર કરવામાં સફળતા મળી જાય છે તો કેટલાક એવા પણ કમનસીબ લોકો હોય છે જેમને સફળતાની જગ્યાએ મોત મળતું હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના છેવાડે આવેલા સનાથલ ચોકડી પાસે બની છે. જ્યાં કિસ્મત અજમાવવા માટે નેપાળથી આવેલા યુવકને દર્દનાક મોત મળ્યું છે. સનાથલ ચોકડી પાસે આવેલા જીવણપુરા ગામમાં નેપાળી યુવકને ગ્રામજનોએ ચોર સમજીને એટલી હદે માર માર્યો કે તેનું મોત થઇ ગયું અને બાદમાં તેની લાશને કેનાલ પાસે ફેંકી દીધી હતી. યુવક મોડીરાતે જીવણપુરાથી નીકળ્યો હતો ત્યારે શ્વાન તેની પાછળ પડ્યો હતો. તેથી તે એક મકાનમાં જઇને છૂપાઇ ગયો હતો. જેના કારણે ગ્રામજનોએ તેને ચોર સમજી લીધો હતો.
યુવક નોકરી પરથી છૂટીને ચાલતો ચાલતો જતો હતો ત્યારે...
નેપાળથી એક યુવક ચાર દિવસ પહેલા અમદાવાદમાં રોજગારી લેવા માટે આવ્યો હતો. યુવક અમદાવાદના જીલ્લા ચાંગોદર વિસ્તારમાં કામની શોધમાં હતો પરંતુ તેને નહતી ખબર કે તેની આ રોજગારીની શોધ તેના માટે મોતનું કારણ બની જશે. ચાંગોદરમાં તેને નોકરી મળી ગઇ હતી અને તે મોડીરાતે નોકરી પરથી છૂટીને ચાલતો ચાલતો જતો હતો ત્યારે જીવણપુરા ગામ પાસેથી પસાર થયો હતો. જીવણપુરા ગામના નાકે કુતરા યુવકને જોઇને ભસ્યા હતા, જેથી તે દોડ્યો હતો. કુતરા કરડી ન જાય, તે ડરથી યુવક એક વ્યકિતના ઘરમાં ઘુસી ગયો હતો.
ઘરના સભ્યોએ યુવકનું નામ ઠામ પુછ્યુ હતું પરંતુ ગુજરાતી ભાષા આવડતી ન હોવાથી યુવકે તેની ભાષામાં વાતચીત શરૂ કરી હતી. ઘરના સભ્યો યુવકને ચોર સમજી બેઠા હતા અને ગ્રામજનોને ભેગા કરી દીધા હતા. ગામના રહીશોએ યુવકને ચોર સમજીને મારવાનું શરૂ કરી દીધુ હતું. ગામના રહીશોએ યુવકને એટલી હદે માર માર્યો કે તે બેભાઇ થઇ ગયો હતો. યુવકને રીક્ષામાં બેસાડીને ગામના રહીશો તેને હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા. જ્યાં રસ્તામાં તેનું મોત થયું હતું. યુવકનું મોત થતાની સાથે જ ગામના રહીશો ચિંતામાં મુકાઇ ગયા હતા અને લાશને સગેવગે કરીને મામલો શાંત કરી દેવાનો પ્લાન કરી દીધો હતો.
કેવી રીતે ઉકેલાયો ભેદ?
રહીશોએ નર્મદા કેનાલ પાસે લાશને ફેંકી દીધી હતી અને બાદમાં પોતપોતાના ઘરે જઇને સૂઇ ગયા હતા. બીજા દિવસે પોલીસને યુવકની બીનવારસી લાશ મળી હતી. જેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. યુવક પર હુમલો કરવાથી તેનું મોત થયુ હોવાનો રિપોર્ટ મળતાની સાથે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. યુવક પર હુમલાના વીડિયોના આધારે હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે. ચાંગોદર પોલીસ સ્ટેશનનથી મળતી માહિતી પ્રમાણે, યુવકની ઓળખ હજુ સુધી થઇ નથી, પરંતુ તે ચાર દિવસ પહેલા નેપાળથી અમદાવાદ આવ્યો હતો. યુવક પર હુમલો કરીને તેની લાશને કેનાલ પાસે ફેંકી દેવામાં આવી હતી. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. દરમિયાનમાં પોલીસ પાસે બે વીડિયો આવ્યા હતા. જેમાં સામે આવ્યું હતું કે, જીવણપુરાના રહીશો તેને મારમારી રહ્યા છે. વીડિયોના આધારે ચાંગોદર પોલીસે સાતથી વધુ લોકોની ધરપકડ કરી લીધી છે.