અમદાવાદ: ટેકનોલોજીના યુગમાં લોકો પણ હવે હાઇટેક બની રહ્યા છે. એમાંય મોબાઇલ તો જાણે કે લોકોની એક પ્રાથમિક જરૂરિયાત બની ગઇ છે. જોકે, આ જ ટેકનોલોજી ક્યારેક મોટા પ્રમાણમાં નુકસાનને આમંત્રણ આપે છે. તાજેતરમાં અનેક લોકોએ એક તરફી પ્રેમમાં, સામાજીક બદલો લેવા માટે કે વિકૃત માનસિકતાને લઇને સોશિયલ મીડિયાને માધ્યમ બનાવ્યું હોય તેવા બનાવો સામે આવ્યાં છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ દાખલ થઇ છે કે જે દરેક વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે. મોબાઇલનો ઉપયોગ કરતાં એક કિશોરને મોબાઇલમાં બીભત્સ પોર્નોગ્રાફી વીડિયો આવવા લાગતા જ તેણે આ બાબતની જાણ તેના પિતાને કરી હતી. જોકે, તેના પિતાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે.
નિકોલ વિસ્તારનો બનાવ
નિકોલ વિસ્તારમાં રહેતા એક વાલીએ સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેનો 18 વર્ષીય દીકરો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે. જેમાં તે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરે છે. તેમના દીકરાએ તેમને જણાવ્યું હતું કે, એક એપ્લીકેશન મારફતે કોઇ અજાણ્યો શખ્સ તેને ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો મોકલી રહ્યો છે. જેથી ફરિયાદીએ મોબાઇલ ફોન તપાસતાં અલગ-અલગ એકાઉન્ટ પરથી તેમના દીકરાના ફોનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો મોકલ્યા હતાં. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફરિયાદીએ આ સમગ્ર ઘટનાની જાણ સાયબર ક્રાઇમને કરી હતી.
સાયબર ક્રાઇમ દ્વારા હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને ચાઇન્ડ પોર્નોગ્રાફી વીડિયો બનાવનાર, સંગ્રહ કરનાર, શેર કરનાર અને ઓનલાઇન વેચાણ કરનાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જોકે, નાની ઉંમરમાં બાળકોને મોબાઇલ ફોન આપનાર માતા-પિતા માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે.