Home /News /ahmedabad /અમદાવાદ: 5 હજારથી વધુ રૂમ બુકીંગ સાથે હોટેલ્સ ઈન્ડસ્ટ્રીઝને ચાંદી-ચાંદી, જાણો કારણ

અમદાવાદ: 5 હજારથી વધુ રૂમ બુકીંગ સાથે હોટેલ્સ ઈન્ડસ્ટ્રીઝને ચાંદી-ચાંદી, જાણો કારણ

ભાડામાં 30થી 50 ટકાનો વધારો છતાં પાંચ હજારથી વધુ રૂમ બુક

Ahmedabad News: હોટેલ્સ ઈન્ડસ્ટ્રીઝને ચાંદી-ચાંદી, ભાડામાં 30થી 50 ટકાનો વધારો છતાં પાંચ હજારથી વધુ રૂમ બુક, 400થી 500 ટ્રાવેલ્સ બસોનું પણ બુકિંગ

અમદાવાદ: લોકશાહીનું મહાપર્વ એવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હોટેલ્સ ઈન્ડસ્ટ્રીઝને હાલ ચાંદી-ચાંદી થઈ ગઈ છે. હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોના મતે કોવિડ પછી ઇન્ડસ્ટ્રી માટે આ ગોલ્ડન પિરિયડ છે. તેનું કારણ છે એક સાથે ત્રણ-ત્રણ મહાપર્વની ઉજવણી એક તરફ લોકશાહીનું પર્વ ચૂંટણી છે, તો બીજી તરફ લગ્નસરાની મોસમ પુરબહારમાં ચાલી રહી છે. ત્રીજુ કારણ છે, બીએપીએસ સ્વામીનારાણ સંસ્થા દ્વારા યોજાનાર પ્રમુખ સ્વામીમહારાજ શતાબ્દી મહોત્સવ. આ જ કારણ છે કે હોટેલ્સ બિઝનેસ સાથે સંકળાયેલા બિઝનેસમેન હાલ ગેલમાં આવી ગયા છે.

વીઆઈપી માટે 3 સ્ટ્રાર અને 5 સ્ટાર હોટેલ્સમાં રૂમ બુકીંગ

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના ટુરિઝમ મેન્ટર સંજીવ છાજેડ જણાવે છે કે, ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં બે મહાપર્વની ઉજવણી થવા જઈ રહી છે. પહેલો પર્વ વિધાનસભાની ચૂંટણીનો લોકશાહીનો પર્વ અને બીજો છે સ્વામીનારાયણ સંસ્થાન બીએપીએસના પ્રમુખ સ્વામીની જન્મશતાબ્દીનો મહોત્સવ અને સાથે લગ્નની સિઝન પણ જોરમાં ચાલી રહી છે. આ બેવડા મહાપર્વનો લાભ લેવા માટે ગુજરાત અને દેશ બહાર વસી રહેલા સેકડો ગુજરાતીઓએ વેળાસર વતનની વાટ પકડવાની તૈયારીઓ પૂરી કરી લીધી છે અને તેને કારણે અમદાવાદની હોટલ બુક થઈ ચૂકી છે. 3 સ્ટ્રાર અને 5 સ્ટાર હોટેલ્સમાં ઈલેક્શનમાં આવી રહેલા વીઆઈપી માટે રુમ્સ બુકીંગ છે. તેમજ તેમના ટેકેદારો માટે રુમ્સની રિકવાયરમેન્ટ છે. તેમજ લગ્નગાળામાં આવતા લોકો માટે પણ રુમનું બુકિંગ છે. તેવી જ રીતે આગામી 14 તારીખથી પ્રમુખ સ્વામીમહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થવાની છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની તમામ હોટેલ્સ બુક થઈ ચૂકી છે.

આ પણ વાંચો: દીવ-દમણનો પ્રોગ્રામ બનાવતા લોકો માટે મહત્વના સમાચાર

તમામ કેટેગરીના 5000 રૂમ બુક

ખાસ કરીને વિદેશથી NRI ગુજરાતમાં મતદાન કરવા આવી રહ્યા છે, જેને લઇને તમામ કેટેગરીના 5000 રૂમ બુક થઈ ગયા છે અને ભાડામાં પણ 30થી 50 ટકાનો વધારો નોંધાયો હોવાનું ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ લોકો માની રહ્યાં છે. કોરોના બાદ સતત 2 મહિના સુધી આ પ્રકારનું બુકિંગ સામે આવતા ઇન્ડસ્ટ્રીને ચાંદી થઈ છે.

400થી 500 ટ્રાવેલ્સ બસોમાં બુકિંગ

બીજી તરફ, સહજાનંદ ટ્રાવેલ્સના મેનેજર સચિન આહીર જણાવે છે કે, લોકશાહીનું મહાપર્વ એવા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન 1લી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, કચ્છ તરફી વિધાનસભા બેઠકોમાં થવાનું છે, ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છથી અમદાવાદ આવી વસ્યા હોય અને નોકરી કે વેપાર ધંધો કરતા હોય તેવા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માદરે વતન જવા ઉત્સુક છે. જેને લઈને અંદાજે 400થી 500 ટ્રાવેલ્સ બસોમાં બુકિંગ થઈ ચૂક્યું છે. કેટલાક ટ્રાવેલ્સના વેપારીઓએ એડવાન્સ બુકિંગ કરાવનારા મુસાફરો માટે નાસ્તાની કે જમવાની વ્યવસ્થા પણ કરી રાખી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat Assembly Election 2022, Hotel

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन