Home /News /ahmedabad /કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું, 'ભાજપની ભરોસાની ભેંસે ભય, ભુખ અને ભ્રષ્ટાચારનો પાડો જણ્યો છે'
કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું, 'ભાજપની ભરોસાની ભેંસે ભય, ભુખ અને ભ્રષ્ટાચારનો પાડો જણ્યો છે'
કોંગેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો
BJP vs Congress: કોંગેસે ભાજપ આક્ષેપો કરતા કહ્યુ કે, ગુજરાતે ભાજપ સરકારને છેલ્લા 27 વર્ષથી ભરોસો કરીને મેન્ડેટ આપ્યો હતો જે ભાજપે તોડી નાખ્યો છે. કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર ગરીબ અને મધ્યમવર્ગ લક્ષી નીતિઓ બનાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. 400 રૂપિયામાં મળતા ગેસના બાટલાના 1100 કરીને મહિલાઓનો ભરોસો તોડ્યો છે. બે થી ત્રણ રૂપિયા પડતર મેળવાતી વિજળીના સાત રૂપિયા વસુલીને જનતાનો ભરોસો તોડ્યો છે. કોંગ્રેસે વિવિધ મુદ્દાઓ પર ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ અને મધ્ય પ્રદેશ પ્રભારી જે.પી. અગ્રવાલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર ગરીબ અને મધ્યમવર્ગ લક્ષી નીતિઓ બનાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. પેટ્રોલ - ડીઝલ, અનાજ વગેરેની મોંઘવારી પર સરકારનો અંકુશ સંપૂર્ણ બેકાબુ છે. ગુજરાતમાં ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓને ભાજપ સરકારે બદલવા પડે છે તેવી પરિસ્થિતિઓમાં પણ મોદી શાસન વખતે જે નવ હજાર કરોડનું દેવુ હતું. આજે તે દેવાનો આંકડો ત્રણ લાખ છવ્વીસ હજાર કરોડ થઈ ગઈ ગયો છે.
ભાજપ અને આપ મોટાભાઈ અને નાનાભાઈ સમાન: કોંગ્રેસ
પોતાના કાર્યકાળ દરમિયાન છ હજાર સરકારી શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ગુજરાતમાં ચાલીસ લાખ શિક્ષીત બેરોજગારો છે કે જેઓ પેપરલીક કાંડથી હતાશામાં આવી ગયા છે. ડૉક્ટર, શિક્ષકો, કર્મચારીઓ, મહિલાઓ, પૂર્વ સૈનિકો, ફીક્સ પગાર કર્મચારીઓ, બેરોજગારો સહિત વિવિધ 31 સંગઠનો હાલ સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. તેનો મતલબ એ છે કે, સરકારી નીતિમાં કઈક ખોટ છે. આપના નેતાઓ ભ્રષ્ટાચારમાં લુપ્ત થયેલા છે. અને તેમના પર અસંખ્ય કેસ ચાલી રહ્યાં છે. તથા ધરપકડ પણ થયેલી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી એટલે મોટાભાઈ અને નાનાભાઈ સમાન દેખાઈ રહી છે.
પરાઠા ઉપર જી.એસ.ટી. વસુલીને મધ્યમવર્ગનો ભરોસો તોડ્યો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ મહાસચિવ અને ગુજરાત કોંગ્રેસ મેનિફેસ્ટ્રો કમીટીના ચેરમેન દિપક બાબરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતે ભાજપ સરકારને છેલ્લા 27 વર્ષથી ભરોસો કરીને મેન્ડેટ આપ્યો હતો. પરંતુ તેમના પુરા ન કરેલા વચનોએ આ ભરોસો તોડી નાખ્યો છે. કેન્દ્રમાં બે કરોડ રોજગારીનું વચન ન નિભાવીને અને ગુજરાતમાં ચાલીસ લાખ બેરોજગારોનો ભરોસો ભાજપ સરકારે તોડ્યો છે. રૂ. 400 ના ગેસના બાટલાના 1100 કરીને મહિલાઓનો ભરોસો તોડ્યો છે. બે થી ત્રણ રૂપિયા પડતર મેળવાતી વિજળીના સાત રૂપિયા વસુલીને જનતાનો ભરોસો તોડ્યો છે. મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે દૂધ, દહિં અને છાસ ઉપર જી.એસ.ટી. વસુલીને મધ્યમવર્ગનો ભરોસો તોડ્યો છે.
ગુજરાતની 80 % જમીન પર ભાજપના મળતીયાઓનો કબજો: કોંગ્રેસ
વધુમાં ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ગુજરાતની 80 ટકા જમીન ઉપર ભાજપના મળતીયાઓનો કબજો છે માટે લોકો પોતાના મકાન મેળવી શકતા નથી. લોકશાહી અધિકારોનું હનન કરીને લોકશાહીનો ભરોસો તોડ્યો છે. દરેક ક્ષેત્રમાં ગુજરાતને બરબાદ કરીને દરેક ગુજરાતીઓનો ભરોસો તોડ્યો છે. આ સાથે કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, 'ભાજપની ભરોસાની ભેસે ભય, ભુખ અને ભ્રષ્ટાચારનો પાડો જણ્યો છે.'
વિવિધ મુદ્દાએ પર કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો
આ સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, અમે વડાપ્રધાનનો આભાર માનીએ છીએ કે, શ્વાસ લેવા માટેની હવા પર હજી જી.એસ.ટી. નથી નાખ્યો. દૂધ, દહિં અને છાસની સાથે પરાઠા ઉપર પણ લગાવેલ જી.એસ.ટી. સરકાર તાત્કાલીક પાછો ખેંચે, નહીં તો ગુજરાતની મહિલાઓ ઉગ્ર આંદોલન કરશે. આમ વિવિધ મુદ્દાએ પર કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અને ભાજપ સરકારની યોજનાઓને પોકળ ગણાવી હતી. ભાજપ સરકારની યોજનાઓ જેમ કે, ગેસ સબસીડી, મકાન સહાય અને રોજગારીની યોજનાઓ નિષ્ફળ ગયાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.